વડોદરા, તા. ૧૭

ગુજરાત રાજ્ય સરકારના બજેટમાં આંગણવાડી અને આશા વર્કર માટે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. જેને લઈને આંગણવાડી અને આશા વર્કર દ્વારા રાજ્યવ્યાપી આંદોલનના શ્રીગણેશ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત આજરોજ વડોદરા જિલ્લાની ૫૦૦થી વધારે આંગણવાડી બહેનો કામથી અલિપ્ત રહી હતી. તેમજ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પણ સુપરત કર્યું હતું. કલેકટર કચેરી ખાતે અમે ભીખ નથી માગતા, હક માંગીએ છે..તેવા સુત્રોચાર પણ કરવામાં આવ્યા હતા.

આંગણવાડી અને આશા વર્કરોના રાજ્યવ્યાપી આંદોલનના ભાગરૂપે આજે વડોદરા જિલ્લાની ૫૦૦થી વધુ બહેનોએ બે દિવસ કામથી અલિપ્ત રહી હતી. દરમિયાન બહેનો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધરણાં-પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. બહેનોએ ‘અમે ભીખ નથી માંગતા, હક માગીએ છે’ તેવા સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જે બાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. જાે પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આવનારા દિવસોમાં આંદોલન ઉગ્ર બનશે તેવી ચીમકી પણ સંગઠનની બહેનો દ્વારા ઉચ્ચારવામા આવી છે.

વડોદરાના આંગણવાડી કર્મચારી સંગઠનના સભ્યએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણાં વર્ષોથી આંગણવાડી બહેનોના પડતર પ્રશ્નો માટે અનેક વખત રજૂઆત કરી છે. પરંતુ તેનું નિરાકરણ આવ્યું નથી. જેથી સતત સરકાર સામે લડત ચાલી રહી છે. વિધાનસભાની ગત ચૂંટણી પહેલા સરકાર દ્વારા સમાધાન કરવામાં આવ્યું હતું. પરંતુ આજદિન સુધી તેનો અમલ કરાયો નથી. અમારા પગાર વધારવા, કાયમી કરવા સહિતના પ્રશ્નો અંગે આજે ફરી એક વખત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સુત્રોચાર કરી આવેદનપત્ર આપ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડોદરા સહિત રાજ્યમાં કેટલાંક ઘટકોમાં છેલ્લા ૬ માસથી બિલો ચૂકવાય નથી. તેમ છતાં, આંગણવાડી મહિલાઓ પોતે તમામ વ્યવસ્થા કરી બાળકોને આહાર પૂરો પાડે છે. સરકારનો કોઈ પણ કાર્યક્રમ હોય અમારી બહેનોને સતત હાજર રાખવામાં આવે છે તેમજ કામગીરી પણ સોંપવામાં આવે છે. જરૂર પડે ત્યારે સરકાર દ્વારા આંગણવાડી બંધ રાખી બહેનોની કાર્યક્રમોમાં હાજર રહેવા માટે ફરજ પાડવામાં આવે છે. પરંતુ, આંગણવાડી બહેનોના પડતર પ્રશ્નોનું નિરાકરણ અંગે કોઈ વિચારણા કરવામાં આવતી નથી. પરંતુ, જાે અમારા પ્રશ્નોનું નિરાકરણ વહેલી તકે નહીં લાવવામાં આવે તો આગામી દિવસોમાં આંદોલન ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે.