મનાલી-બેલા હાઈવે પર કાર ખાઈમાં ખાબકતા ભાવનગરના ૬ ના કરુણ મોત
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
11, મે 2026  |   3069

હિમાચલ પ્રદેશના કુદરતી સૌંદર્યને માણવા ગયેલા ભાવનગરના એક પ્રતિષ્ઠિત પરિવાર માટે પ્રવાસ કાળ બનીને ત્રાટક્યો છે. મનાલી નજીક છાબા જિલ્લામાં સર્જાયેલા એક ભયાનક માર્ગ અકસ્માતમાં ભાવનગરના સિંધી સમાજના અગ્રણી લલિતભાઈ ફતનાની સહિત પરિવારના ૬ સભ્યોના કરૂણ મોત નીપજ્યા છે. આ દુર્ઘટનામાં અન્ય ચાર સભ્યોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. આ સમાચાર વાયુવેગે ભાવનગર પહોંચતા સમગ્ર સિંધી સમાજ સહિત શહેરમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. આ ગોઝારા અકસ્માતની પ્રાપ્ત વિગતો અનુસાર ભાવનગરના સિંધી સમાજના જાણીતા અગ્રણી લલિતભાઈ ફતનાની તેમના પરિવાર સાથે મનાલીના પ્રવાસે ગયા હતા. ગત રોજ મનાલીથી બેલા તરફ જતી વખતે કાંકરિયા તાલુકાના છાબા જિલ્લામાં નેશનલ હાઈવે નંબર ૨૮ પર તેમનું વાહન ચાલકે અચાનક કાબૂ ગુમાવતા રસ્તા પરથી નીચે ઉતરી સીધું ઊંડી ખાઈમાં ખાબક્યું હતું. વાહન ખાઈમાં પડતા જ જાેરદાર ધડાકો થયો હતો અને અંદર સવાર મુસાફરોની મરણચીસોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ ગોઝારા અકસ્માતમાં પરિવારના મોભી લલિતભાઈ ફતનાની, તેમના પત્ની સોનિયાબેન, દીકરી કાજલબેન, જમાઈ પ્રિયંકભાઈ ભોપાણી અને માસૂમ પૌત્ર દિવ્યાંશુનું ઘટનાસ્થળે જ અથવા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. એકસાથે પાંચ સભ્યોના મોતના સમાચારથી ફતનાની પરિવાર પર આભ તૂટી પડ્યું છે. દુર્ઘટનામાં ઘાયલ થયેલા ૪ સભ્યોમાં મયંકભાઈ લલિતભાઈ ફતનાની, તેમના પત્ની ફોરમબેન ફતનાની, પુત્ર જિયાંશ અને અન્ય એક બાળકી પ્રિયાંશી ભોપાણીનો સમાવેશ થાય છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution