અમદાવાદ-

કોરોનાકાળમાં પણ રાજ્યમાં ગુનાખોરી થંભી નહોતી. અગાઉના વર્ષ કરતાં 2020માં ગુજરાતમાં ગુનાઓના પ્રમાણમાં 62 ટકા વધારો થયો હતો. 2020માં, એટલે કે કોરોનાના વર્ષમાં રાજ્યમાં રોજ 3 મર્ડર થયા હતા. દેશમાં 2020માં કુલ 61.91 લાખ ગુના નોંધાયા હતા, જેમાં 7 લાખ સાથે ગુજરાતનો હિસ્સો 9 ટકા જેટલો છે. આઇ.પી.સી. હેઠળ કુલ 3.81 લાખ ગુનાઓ નોંધાયા હતા. આઇ.પી.સી.માં 97 ટકા ચાર્જશીટ રેટ સાથે ગુજરાત ચાર્જશીટમાં દેશમાં પહેલા ક્રમે છે.

ગત વર્ષે રાજ્યમાં 1023 મર્ડર થયા હતા. સૌથી વધારે મર્ડર ઉત્તરપ્રદેશમાં 3939 અને બિહારમાં 3195 થયા હતા. હિટ એન્ડ રનના 1022 બનાવોમાં 1104 વ્યક્તિનાં મોત થયાં હતાં. માર્ગ અકસ્માતોમાં કુલ 6564 લોકોએ જીવ ગુમાવ્યો હતો. એક વર્ષ 7 મૃત્યુ દહેજના દૂષણને કારણે થયાં હતાં. અપહરણના 1198 બનાવોમાં 1222 લોકોનાં અપહરણ થયાં હતાં. વર્ષ દરમિયાન દુષ્કર્મના 486 કેસ નોંધાયા હતા. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના વર્ષ 2020ના અહેવાલમાં આ વિગત બહાર આવી છે. આ ઉપરાંત 2020માં દેશમાં દરરોજ સરેરાશ 80 હત્યા અને 77 દુષ્કર્મ થતાં હતાં. સૌથી વધુ મર્ડર યુપીમાં જોવાયાં હતાં. મેટ્રો શહેરોમાં ગુનાખોરીના આંકડાઓમાં દિલ્હી 2.45 લાખ સાથે પહેલા નંબરે છે, જ્યારે ચેન્નઇ 88 હજાર સાથે બીજા ક્રમે છે. અમદાવાદ 61 હજાર સાથે ત્રીજા નંબરે છે. 2019ની સરખામણીએ અમદાવાદમાં ગુનાખોરીના આંકડાઓમાં બમણો વધારો થયો છે. અમદાવાદમાં વર્ષ દરમિયાન 70 મર્ડર, જ્યારે સુરતમાં 116 મર્ડર થયા હતા. અમદાવાદમાં હિટ એન્ડ રનના 55 લોકોએ જીવ ખોયા હતા, જ્યારે સુરતમાં 174 લોકોએ જીવ ખોયા હતા. અમદાવાદમાં જાતીય સતામણીના 87 કેસ નોંધાયા હતા. અમદાવાદમાં 77, જ્યારે સુરતમાં 27 મહિલા દુષ્કર્મનો ભોગ બની હતી.