શહેરનાં બે વગદાર ઇન્સ્પેક્ટરોની બદલી મુદ્દે ભાજપનાં બે મોટા નેતાઓ વચ્ચે ચકમક ઝરી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, માર્ચ 2026  |   સુરત   |   2178

શહેરના પોલીસ બેડામાં થયેલી ઇન્સપેક્ટરોની બદલીમાં બે ધુરંધરો મુદ્દે મામલો ગરમાયો હતો.

રાજ્યના ૭૭૮ ઇન્સપેક્ટરની સાગમટે કરાયેલી બદલીમાં સુરત શહેરમાં પણ વ્યાપક અસર પડી છે. શહેરમાંથી કુલ ૪૮ ઇન્સપેક્ટરની બદલી થઈ છે. આ બદલીમાં સુરત શહેરના જે પોલીસ મથકોમાં પોસ્ટિંગ માટે ઇન્સપેક્ટરોમાં પડાપડી થાય છે એ તમામ ખાલી થઇ ગયા છે.

શહેરમાંથી બદલાયેલા ઇન્સપેક્ટરોમાં પોલીસ કમિશનરની ઉપરવટ જઈ બદલીના ઉપરા છાપરી ત્રણ ઓર્ડર કરાવી પાંડેસરામાં પોસ્ટિંગ લેનારા જે. આર. ચૌધરી અને રાજકીય ખીલે ઉછળકૂદ કરવા ટેવાયેલા લિંબાયતના એન. કે. કામળીયા મુદ્દે ગરમાટો થયાનું જાણવા મળે છે. આ બંને અધિકારીઓને જીદ કરીને જે તે પોલીસ મથકમાં મુકાવનાર નેતાજીએ બદલી મુદ્દે નારાજગી વ્યક્ત કરી હતી. કાર્યકાળની સમય મર્યાદામાં આવી જતા હોય બંનેની બદલી થઇ હતી. જાે કે, તેમને જાણી જાેઇને બદલવામાં આવ્યા હોવાની શંકા સાથે વ્યક્ત કરાયેલી નારાજગીથી વાત વણસી હતી.

બે નેતાઓ વચ્ચે ચકમક ઝરતાં પોલીસબેડાના વાતાવરણે ગરમાટો પકડ્યો હતો. પછી એવું થયું કે એ બંને પીઆઇને તાત્કાલિક છૂટા કરવાના આદેશ છૂટ્યા હતાં. પાંડેસરાના ચૌધરીને છૂટા કરી તેમના સ્થાને સબાલતપુરાથી કે. ડી. જાડેજાને પોસ્ટિંગ આપવામાં આવ્યું હતું.

તેમણે લગભગ મધરાતે ચાર્જ સંભાળ્યો હતો. બીજી તરફ લિંબાયતમાં સેકન્ડ પીઆઇ રજા પર હોવા છતાં કામળીયાને છૂટા કરી દેવાયા હતાં. ત્યાંનો ચાર્જ મધરાત પછી ઉધના પીઆઇ એસ. એન. દેસાઇને અપાયો હતો.

શહેર પોલીસમાં રાજકારણને હાવી કરાવનાર આ બે પીઆઇ સાથે પ્રમોશન બાદ એક વર્ષથી પોસ્ટિંગની રાહ જાેતા હતાં એ ઇન્સપેક્ટરોને પણ છૂટા કરી દેવાયા હતાં. આવા માહોલ વચ્ચે ઉપરથી એટલે કે ડીજી ઓફિસથી એવો લેખિત આદેશ કરવામાં આવ્યો છે કે દરેક અધિકારીઓએ કોઇપણ જાતની રજા લીધા વિના પહેલી તારીખ પહેલા બદલીના સ્થળે હાજર થઈ જવું. આ આદેશ પાછળ કોર્પોરેશન અને પંચાયતોની જાહેર થનારી ચૂંટણીનું કારણ આપવામાં આવી રહ્યું છે, જાે કે મામલો ઓર્ડર રદ કરાવવા કે બદલાવવા માટે ભલામણ અને દાબ દબાણને લગતો હોવાનું ચર્ચાયું હતું.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution