19, જુન 2025
ભરૂચ |
2178 |
સામાન્ય રીતે તિજોરીમાં સોના-ચાંદીના દાગીના, ચલણી નોટો કે, પછી કપડા ગોઠવાતા હોય છે પણ જંબુસર તાલુકાના નાનકડા ગામ મગણાદના એક યુવકના ઘરની તિજોરી જોઈને પોલીસ અધિકારીઓ પણ માથુ ખંજવાળતા થઈ ગયા હતા. હકીકતમાં તિજોરીમાં દાગીના, જરઝવેરાત, ચલણી નોટોના બંડલો કે, કપડા નહીં પરંતુ, દારૂ-બિયરની બોટલો ગોઠવેલી હતી. આશ્ચર્યની વાત તો એ હતી કે, તિજોરીની અંદર દારૂની બોટલો અને બિયરના ટીન એટલા સરસ રીતે ગોઠવેલા હતા. જાણે મુંબઈના કોઈ બારના ડિસ્પ્લેમાં મુકેલા હોય.
ખેર, પોલીસે યુવકના ઘરના બેડરૂમમાં મુકેલી બે ડબલ ડોરની તિજોરીઓમાંથી રૂપિયા ૨.૯૦ લાખની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો અને ઘરના માલિકની ધરપકડ કરી હતી. ભરૂચ પોલીસે ગ્રામ પંચાયતની ચુંટણીને અનુલક્ષીને દારૂ-બિયર પકડવા પર વધારે ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. દરમિયાન લોકલ ક્રાઈમ બ્રાંચને બાતમી મળી હતી કે, જંબુસર તાલુકાના મગણાદ ગામે રહેતો શૈલેષ ગંભીરભાઈ મકવાણા પોતાના ઘરમાં દારૂનો જથ્થો રાખીને તેનું વેચાણ કરી રહ્યો છે. આ બાતમીના આધારે એલસીબીની ટીમે શૈલેષ મકવાણાના ઘરમાં દરોડો પાડ્યો હતો. પોલીસે શૈલેષના ઘરનો ખૂણેખૂણો સર્ચ કરી લીધો હતો પણ કશુ મળ્યુ ન હતુ.
એટલે પોલીસની ટીમ મુંઝવણમાં મુકાઈ હતી. જોકે, પોલીસ પાસે પાક્કી બાતમી હતી એટલે પોલીસે ફરી એકવાર ઘરમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતુ. જે દરમિયાન પોલીસને બેડરૂમની અંદર બે વિશાળ તિજોરીઓ જોવા મળી હતી. સામાન્ય રીતે પોલીસ દારૂની બાતમીમાં તિજોરીઓ તપાસતી નથી. પણ આજે પોલીસને તિજોરીઓ પર શંકા ગઈ હતી.
બેડરૂમમાં પડેલી બબ્બે નવી નક્કોર તિજોરીઓના તાળા મારેલા હતા. એક નાનકડા ઘરના બેડરૂમમાં ડબલ ડોર વાળી બબ્બે તિજોરીઓ કેમ મુકવામાં આવી છે? એ સવાલ પોલીસ અધિકારીઓના મનમાં ઘુમરાવવા માંડ્યો હતો. આખરે, પોલીસ અધિકારીએ તિજોરી ખોલવાની સૂચના આપી હતી. જોકે, મકાન માલિક શૈલેષ મકવાણાએ બહાનાબાજી શરૂ કરી હતી. પહેલા તો તેણે તિજોરીઓની ચાવી ખોવાઈ ગઈ છે તેવુ બહાનુ કાઢ્યુ હતુ. પણ પોલીસ અધિકારીએ કડકાઈ વાપરતા એ ભાંગી પડ્યો હતો અને બહારના રૂમમાંથી ચાવી શોધી લાવ્યો હતો.
ત્યારપછી તેણે તિજોરીનું તાળુ ખોલ્યુ હતુ. ખુલ જા સીમસીમ...ની જેમ જેવી તિજોરી ખુલી કે, અંદરનું દ્રશ્ય જોઈને પોલીસ અધિકારીઓ માથુ ખંજવાળતા થઈ ગયા. હકીકતમાં તિજોરીમાં કપડા કે, કિંમતી સામાનને બદલે દારૂ-બિયરનો જથ્થો હતો. ચોંકાવનારી વાત એ હતી કે, તિજોરીની અંદર દારૂની બોટલો અને બિયરના ટીન એટલા સરસ રીતે ગોઠવવામાં આવ્યા હતા. જાણે મુંબઈના કોઈ બારનો ડિસ્પ્લે હોય. ખેર, પોલીસની ટીમે બંને તિજોરીઓમાંથી રૂપિયા ૨.૯૦ લાખની કિંમતનો દારૂ-બિયરનો જથ્થો જપ્ત કર્યો હતો અને શૈલેષ મકવાણાની ધરપકડ કરી હતી.
મજૂરી કામમાં ભલીવાર નહીં આવતા દારૂનો ધંધો શરૂ કર્યો
તિજોરીમાંથી દારૂનો જથ્થો પકડાતા પોલીસે શૈલેષ મકવાણાની ધરપકડ કરી હતી. હકીકતમાં શૈલેષ મકવાણાએ પહેલી વખત દારૂનો ધંધો શરુ કર્યો હતો. તેણે પોલીસ સમક્ષ કબુલાત કરી હતી કે, આ પહેલા તે છૂટક મજૂરી કરતો હતો. પરંતુ, તેમાં કશો ભલીવાર આવતો ન હતો. એટલે આર્થિક સ્થિતિ ડામાડોળ થતા તેણે દારૂના ધંધામાં હાથ અજમાવવાનો નિર્ણય લીધો હતો. તેણે જંબુસરના હસન પટેલ નામના વ્યક્તિનો સંપર્ક કરીને દારૂ મંગાવ્યો હતો. હસને એને દારૂનો જથ્થો આપ્યો હતો. પણ દારૂનો જથ્થો પૂરો થાય તે પહેલા જ પોલીસે તેને દબોચી લીધો હતો.
તિજોરીની અંદર દારૂની બોટલો જોઈને પોલીસ માથું ખંજવાળતી થઈ ગઈ
ભરૂચ એલસીબીના પીએસઆઈ દિલીપસિંહ તુવર કહે છે કે, અમને ચોક્કસ બાતમી હતી કે, મગણાદ ગામે રહેતા શૈલેષ મકવાણાના ઘરમાં દારૂનો મોટો જથ્થો છુપાવેલો છે. અમે જ્યારે એના ઘરે પહોંચ્યા ત્યારે અમને પહેલી નજરે કશું શંકાસ્પદ ના લાગ્યુ પણ જ્યારે અમને ઘરમાંથી દારૂ ના મળ્યો એટલે અમે ઝીંણવટભરી તપાસ કરી. જેમાં શંકા ઉપજાવે તેવી વાત એ હતી કે, નાનકડા ઘરમાં મસમોટી બે તિજોરીઓ હતી. જે રૂમમાં બેસવાની જગ્યા ઓછી પડતી હોય ત્યાં આટલી વિશાળ ડબલ ડોરની બે તિજોરીઓ કેમ મુકી હશે ? તેવો સવાલ અમારા મનમાં થયો અને અમે તિજોરી ખોલાવી તો અંદર આખેઆખો બાર ભરાઈ જાય તેટલી દારૂની બોટલો અને બિયરના ટીન ગોઠવેલા હતા.