બળાત્કાર - લૂંટના ત્રણ કેસમાં ૨૬ વર્ષથી વોન્ટેડ બદમાશ કર્ણાટક બોર્ડરથી પકડાયો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, માર્ચ 2026  |   2178

પરવત પાટિયા વિસ્તારમાં ૨૬ વર્ષ અગાઉ બનેલા બળાત્કાર અને લૂંટના ત્રણ ગુનામાં વોન્ટેડ એવા બદમાશને લિંબાયત પોલીસ મહારાષ્ટ્ર અને કર્ણાટક બોર્ડરે આવેલા જંગલ વિસ્તારમાંથી પકડી લાવી છે. ડીસીપી કાનન દેસાઇએ જણાવ્યું હતું કે, લિંબાયત પોલીસ સ્ટેશનમાં ઓગષ્ટ ૨૦૨૩માં બળાત્કાર અને લૂંટનો ગુનો નોંધાયો હતો. પરવત પાટિયા વિસ્તારના ખેતરમાં રહેતા શ્રમજીવી પરિવારને બદમાશોએ નિશાન બનાવ્યું હતું. પુરુષને માર મારી મહિલા પર બળાત્કાર ગુજારી ચાર બદમાશોએ રોકડ, ચાંદીના સાંકળા, સોનાની ટીચણી, નથણી વિગેરેની લૂંટ ચલાવી હતી. આ કેસમાં પોલીસે બે લૂંટારૂઓને ઝડપી પાડ્યા હતાં. જેમની તપાસમાં વર્ષ ૨૦૦૦-૦૧માં થયેલી લૂંટના બીજા બે ગુનાઓ પણ ડિટેક્ટ થયા હતાં. લૂંટ બળાત્કારના ગુનામાં સુનુલ ઝૂંબર કાળે (રહે, સાંગલી, મહારાષ્ટ્ર)નું નામ પણ ખુલ્યુ હતું, જે તે સમયે પોલીસે તેના વતન સહિતના સ્થળોએ તપાસ કરી પરંતુ તે મળ્યો ન હતો. ૭૦ મુજબ પકડ વોરંટ મેળવી વોન્ટેડ જાહેર કરાયેલા સુનિલના માથે ૪૫ હજારનું ઇનામ પણ જાહેર કરાયું હતું. આટલા પ્રયત્નો છતાં ૨૬ વર્ષથી નહીં પકડાયેલા સુનિલને શોધી કાઢવા માટે લિંબાયત પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફના કોન્સટેબલ સાજણ કાનાભાઇ તથા યુવરાજસિંહ રાજુભાઇ એ કવાયત શરૂ કરી હતી. આ બંને પીએસઆઇ ચૌધરી સાથે મહારાષ્ટ્રના સાંગલી જીલ્લાના પાચવા મૈલ ખાતે પહોંચ્યા હતાં. તેમણે વેશ પલટો કરી સ્થાનિક રહેવાસીઓમાં ભળી જઈ સુનિલ અંગે માહિતી મેળવી હતી. જેમાં તે કર્ણાટક બોર્ડર પાસે આવેલ સાંગલી જીલ્લાના જંગલ વિસ્તારમાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં આ પોલીસ કર્મચારીઓ વેશ પલટો કરી પાંચ દિવસ મહારાષ્ટ્ર અને કર્ણાટક બોર્ડરના ગામડાઓમાં ફર્યા હતાં. જ્યાં સતત વોચમાં રહયા અને આખરે સુનિલને ઝડપી પાડવામાં સફળતાં મેળવી હતી. આ કેસમાં રોહિત શ્યામરાવ ભોસલે રહે, ૪૨૫, આંનદનગર સો.નવાગામ ડીડોલી સુરત મુળ. સુપાગામ તા.બારામતી પુણે મહારાષ્ટ્ર) હજી નાસતો ફરતો હોવાનું જાણવા મળે છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution