લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
15, મે 2026 |
3465
અમદાવાદ શહેરમાં ભારે વાહનોની બેફામ દોડ હવે વધુ એક નિર્દોષનો જીવ લઈ ગઈ છે. શહેરના સરખેજ વિસ્તારમાં આજે બનેલી એક ગમખ્વાર હિટ એન્ડ રનની ઘટનામાં એક મહિલા એક્ટિવા ચાલકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ ડમ્પર ચાલક વાહન સાથે ફરાર થઈ જતાં સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. મળતી માહિતી અનુસાર, મૃતક મહિલા એક્ટિવા પર સરખેજ વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરે અચાનક તેને જાેરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે મહિલા સીધી ડમ્પરના ટાયર નીચે આવી ગઈ હતી. ઘટનાની ગંભીરતા એવી હતી કે મહિલાનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ થોડા જ સમયમાં આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા, પરંતુ તે પહેલાં જ ડમ્પર ચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ‘એમ’ ટ્રાફિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. સાથે જ અજાણ્યા ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસ દ્વારા વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ અકસ્માત બાદ સ્થાનિકોમાં ભારે વાહનોની અવરજવર અને તેમની બેફામ ગતિ સામે ભારે આક્રોશ જાેવા મળ્યો હતો.