વડોદરા, તા.૨૩

વડોદરા કોર્પોેરેશન દ્વારા જીઆઈએસ બેઝ્‌ડ સર્વે તેમજ અરજીના આધારે નવીન મિલકતો કે માપમાં ફેરફાર હોય તેવી ૯૧ હજારથી વધુ મિલકતો મળી આવી હતી. જેમાં ૬૮ હજાર જેટલી મિલકતોની આકારણી કરી વેરાબિલો બજાવીને રૂા.૫૬ કરોડની આવક પ્રાપ્ત કરી છે.

વડોદરા મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં આવેલ તમામ મિલકતો જેવી કે રહેણાંક, બિનરહેણાંક અને ઔદ્યોગિક મિલકતો સહિતની મિલકતો પૈકી આકારણી કરવાની બાકી રહી ગયેલ હોય તેવી મિલકતો શોધી કાઢવા અને આકારણી રજિસ્ટર મુજબના માપમાં ફેરફાર કરેલ હોય તેવી મિલકતોનો સર્વે કરી નવીન વેરાબિલ તૈયાર કરવા માટે અને જીઆઈએસ બેઝ્‌ડ સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જીઆઈએસ બેઝ્‌ડ સર્વે તેમજ અરજદારની અરજીના આધારે કુલ ૯૧,૭૩૫ જેટલી નવીન મિલકતો/માપમાં ફેરફાર હોય તેવી મિલકતો મળી આવી છે, જે પૈકી કુલ ૬૮,૦૫૧ જેટલી મિલકતો આકારણી કરવાને પાત્ર જણાતાં જેના ૬૮૦૫૧ જેટલા વેરાબિલો બજાવી પ્રોપર્ટી ટેક્સ પેટે રૂા.૫૬.૦૧ કરોડની આવક મળી છે. ઉપરાંત પશ્ચિમ ઝોનમાં આવેલ ભાયલી, સેવાસી, બિલ વિસ્તારમાં છેલ્લાં ત્રણ વર્ષમાં ૩૪,૬૫૮ જેટલી નવીન મિલકતોની આકારણી કરી કુલ રૂા.રર.૬ર કરોડના ડિમાન્ડ વેરાબિલો બજાવવામાં આવ્યાં છે.