આણંદ-

લગ્ન કર્યા બાદ પણ પતિ-પત્ની એકબીજા પર શંકા રાખતા હોય તો તેનું કેવું માઠું પરીણામ આવી શકે તેના એક દાખલામાં એક પિતાએ પોતાના હાથે જ પોતાની પાંચ વર્ષની પુત્રીનું કાસળ કાઢી નાંખ્યું હતું. આ પુત્રી તેની પત્નીની કુખે બીજા કોઈ સાથેના સંબંધોથી અવતરી હોવાની શંકા તેને કોરી ખાતી હોવાથી તેણે આ પગલું ભર્યું હોવાનું પોલીસને જણાવ્યું હતું.

આ પુત્રીની નિર્દયી હત્યાના કલાકોમાં જ પોલીસના હાથે ચઢી ગયેલા આણંદના અંકલાવ તાલુકાના મુજકુવા ગામના 23 વર્ષીય શખ્સ નામે શૈલેષ પઢીયારને ઝબ્બે કર્યા બાદ પોલીસ અધિકારી સોઢાએ જણાવ્યું હતું કે, આરોપી ખેડૂત છે અને પોતાના ખેતરમાં જ પુત્રીનું ગળું દબાવી દઈને તેની હત્યા તેણે કરી નાંખી હતી. આ પાછળનું કારણ જણાવતાં તેણે કહ્યું હતું કે, તેની પત્નીને લગ્ન પહેલાથી બીજા કોઈ સાથે પ્રેમ સંબંધ હતો અને એકબીજા વચ્ચે આ બાબતે ઝઘડા પણ થતા હતા. તેમજ પોતે માનતો હતો કે આ પુત્રી પણ તેની નહોતી પરંતુ પત્નીને તેના આગલા પ્રેમી સાથેના સંબંધથી અવતરી હતી. આ શંકા ઘર કરી જતાં તેનો ગુસ્સો બેકાબુ બન્યો હતો અને ખેતરમાં જઈને જ પોતાની પુત્રીનું ગળું દબાવીને તેને મોતને ઘાટ ઉતારી હતી. તેણે પોતાનું દુષ્કૃત્ય છૂપાવવા માટે પહેલા પોલીસને ભરમાવવા પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસની ઉલટતપાસમાં આખરે તે ભાંગી પડ્યો હતો.