લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
19, એપ્રીલ 2026 |
3069
બળાત્કારનાં આરોપી અને શેરબજારમાં બે કરોડનું દેવું કરી ચૂકેલા પતિએ પૈસા માટે ગુજારેલા શારીરિક માનસિક અત્યાચારથી ત્રાસેલી પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ પાસે મળતી માહિતી અનુસાર અલથાણ ભીમરાડ કેનાલ રોડ ઉપર શીખીન હાઇટ્સમાં રહેતાં બજાજ પરિવારની દીકરી શિલ્પાનાં લગ્ન જાન્યુઆરી ૨૦૧૩માં મુંબઇ ખાતે રહેતાં પવનકુમાર જુનજુનવાલાનાં પૂત્ર યશ સાથે કરવામાં આવ્યા હતાં. લગ્નનાં ચાર પાંચ મહિનામાં જ શિલ્પાને એવી જાણ થઇ હતી કે તેનો પતિ યશ વર્ષા નામની યુવતી સાથે ફરે છે. યશનાં મોબાઇલમાં પણ વર્ષા સાથેની ચેટ જોવા મળતાં શિલ્પાએ તેને આ અંગે પૂછ્યું હતું. ત્યારબાદ યશે શિલ્પા સાથે લડાઈ ઝઘડો કરવા માંડ્યો હતો. સમય જતાં શિલ્પાને ખબર પડી કે યશને માત્ર વર્ષા જ નહીં ઘણી છોકરીઓ સાથે સંબંધ છે. પાંચ સાત મહિને તેની ફ્રેન્ડ બદલાતી રહેતી હતી.
વર્ષા બાદ નીતુ અને દેવા સાથેની ચેટ અને કોલ શિલ્પાની જાણમાં આવ્યા હતાં. અન્ય યુવતીઓ સાથેનાં સંબંધો મામલે શિલ્પા અને યશ વચ્ચે માથાકૂટ ચાલતી રહેતી હતી. દંપતી વચ્ચે એવો ખટરાગ સર્જાયો કે તેમની વચ્ચે શારીરિક સંબંધ પણ રહ્યાં ન હતાં. પરિવારમાં બાળકો અંગે ચર્ચા થવા માંડતા યશે લીલાવતી હોસ્પિટલમાં ઈન્ટ્રાઉટેરાઇન ઇન્સેમિશનથી શિલ્પાને ગર્ભવતી કરી અને તેણીએ વર્ષ ૨૦૧૭માં જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. ત્યારપછી ૨૦૧૮માં યશને શેર બજારનાં ધંધામાં નુકશાની થવા માંડી હતી. જેથી તેણે શિલ્પાનાં ઘરેણાં ગીરવે રખાવી પૈસા લીધા હતા. ઘરેણાંથી આવેલા પૈસામાં પણ યશનું દેવું ભરપાઈ નહીં થતાં તેણે શિલ્પાને ફ્રેન્ડ સર્કલમાંથી પૈસા લાવવા કહી શારીરિક માનસિક ત્રાસ આપવા માંડ્યો હતો. જેથી શિલ્પાએ તેના મિત્રો શનિ શાહ પાસે ૧૦ લાખ તથા ભાવિન કાનાબારી પાસે ૧૦ લાખ રૂપિયા લઇ યશને આપ્યા હતાં. આ પૈસાથી કરેલા ધંધામાં પણ યશને નુકશાન થયું હતું. જેથી ૨૦૨૨માં તેણે શિલ્પાનાં ઘરેણાં વેચી નાંખ્યા હતા.
આવા સંજોગોમાં જાન્યુઆરી ૨૦૨૪માં કોઇ યુવતીએ યશ સામે મલાડ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવતાં તે અંડરગ્રાઉન્ડ થઈ ગયો હતો. ફરિયાદ કરનાર યુવતીને ૮૦ લાખ રૂપિયા આપી યશે કેસનો નિકાલ કર્યો હતો. આ રૂપિયા માટે યશે ઘર માર્ગેજ મૂકી લોન લીધી હતી. પછી એ લોનનાં હપ્તા ભરવા વ્યાજે પૈસા લીધા અને પછી વ્યાજ ભરવા બીજા પાસે વ્યાજે રૂપિયા લાવ્યો હતો. આ રીતે યશ બે કરોડનાં દેવામાં ઉતરી ગયો હતો. દેવું ભરપાઈ કરવાનું દબાણ આવતા તે શિલ્પા પાસે રૂપિયા માગી મારઝૂડ કરવા માંડ્યો હતો. જુલાઇ ૨૦૨૫માં શિલ્પાનાં ભાઈ, માતા અને મામાને બોલાવી યશે ફરી રૂપિયાની માંગણી કરી હતી. તેમની હાજરીમાં પણ યશે પત્ની પર હાથ ઉપાડ્યો હતો. એ સમયે તેણીનાં મામા નવીન કેડીયાએ યશને ૧.૭૦ લાખ આપ્યા હતાં. ત્યારબાદ પણ મારઝૂડ કરતાં રહેતાં યશે ૧૦મી તારીખે જો તુ કાલે રૂપિયા નહીં આપે તો જોઈ લેજે તારા શું હાલ કરુ છું, તને જીવવા જેવી નહીં રહેવા દઉં એવી ધમકી આપી હતી. જેથી શિલ્પા તેની બે દીકરીઓને લઇ સુરત પિયર આવી ગઇ હતી. બાદમાં અહીં તેણીએ પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.