રાણીપમાં પાણીપુરીમાંથી હાડકાંનો ટુકડો નીકળ્યો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
16, મે 2026  |   2376

ગુજરાતીઓમાં અને ખાસ કરીને અમદાવાદીઓમાં સ્ટ્રીટ ફૂડ તેમજ પાણીપુરી ખાવાનો ક્રેઝ જગજાહેર છે, પરંતુ શહેરના રાણીપ વિસ્તારમાંથી બહારની પાણીપુરી ખાતા શોખીનોની આંખો ઉઘાડી દેનારો એક અત્યંત ચોંકાવનારો અને ઘૃણાસ્પદ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના વ્યસ્ત ગણાતા રાણીપ બસ સ્ટેન્ડ નજીક આવેલી ‘કૃષ્ણા ભેલ પકોડી સેન્ટર’ નામની લારી પરથી એક ગ્રાહકે ખાવા માટે પાણીપુરી ખરીદી હતી. ગ્રાહક જ્યારે હોંશે-હોંશે આ પાણીપુરી ખાઈ રહ્યો હતો, ત્યારે અચાનક તેના મોંમાં કોઈ કડક વસ્તુ આવી હતી. ગ્રાહકે તરત જ તે બહાર કાઢીને જાેયું તો તેના હોશ ઉડી ગયા હતા, કારણ કે ખાદ્ય પદાર્થની હાડકાનો ટુકડો નીકળ્યો હતો. શાકાહારી ગ્રાહકો માટે અત્યંત પવિત્ર ગણાતી ખાણી-પીણીની વસ્તુમાં આ પ્રકારની ગંભીર બેદરકારી અને અપવિત્રતા જાેઈને ગ્રાહક ભારે રોષે ભરાયો હતો અને તેણે લારી ચાલક સામે કડક આક્રોશ વ્યક્ત કર્યો હતો.

ગ્રાહકે તંદુરસ્તી સાથે થતા આ ચેડાં અને લારી ધારકની ઘોર લાપરવાહીને ખુલ્લી પાડવા માટે સમયસૂચકતા વાપરીને તરત જ આ સમગ્ર ઘટનાનો, પાણીપુરીની પ્લેટનો તેમજ હાડકાના ટુકડાનો લાઈવ વીડિયો મોબાઈલમાં કેદ કરી લીધો હતો. ત્યારબાદ આ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર વાયરલ કરી દેવામાં આવતા જ ગણતરીના કલાકોમાં તે વાયરલ થયો છે. આ નજારો જાેઈને અમદાવાદના ખાણી-પીણીના શોખીનોમાં ભારે ફફડાટ અને આક્રોશની લાગણી ફેલાઈ ગઈ છે. લોકો સોશિયલ મીડિયા પર કોમેન્ટ્સ કરીને આવી બિનઆરોગ્યપ્રદ લારીઓ ચલાવતા તત્વો સામે ફિટકાર વર્ષાવી રહ્યા છે. આ ઘટનાને પગલે હવે જાગૃત નાગરિકો દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ અને ફૂડ વિભાગ સમક્ષ ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે કે, રાણીપ સહિત સમગ્ર શહેરમાં ધમધમતી આવી ખાણી-પીણીની લારીઓ અને રેસ્ટોરન્ટ્સ પર વહેલી તકે કડક ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવે. તેમજ ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરતા કૃષ્ણા ભેલ પકોડી સેન્ટર જેવા એકમોને તાકીદે સીલ કરી, તેમના સંચાલકો સામે કાયદેસરના કડક પગલાં ભરી દાખલારૂપ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution