નિયમનો ભંગ કરનાર સામે પોલીસ ફરિયાદ થશે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
07, મે 2026  |   2277

અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલા હોળી ચકલા - ચમનપુરા વિસ્તારમાં માંસ, માછલી, ચિકન અને મટન જેવા નોનવેજ ચીજ વસ્તુઓના વેચાણ ઉપર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જાે કોઈપણ વ્યક્તિ અસારવાના ચમનપુરા અને હોળી ચકલા વિસ્તારમાં નોનવેજનું વેચાણ કરશે તો તેમની સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે. હોળી ચકલા અને ચમનપુરા વિસ્તારમાં મોટા પ્રમાણમાં નોનવેજનું વેચાણ થાય છે અને એરપોર્ટથી નજીકનો વિસ્તાર આવેલો છે ત્યારે કોઈપણ પ્લેન ઉડતી વખતે બર્ડ હિટ થવાની સંભાવના રહેલી છે જેના પગલે આ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટે જણાવ્યું હતું કે, હોળી ચકલા અને ચમનપુરા વિસ્તાર અમદાવાદ એરપોર્ટની નજીક આવેલો વિસ્તાર છે. એરપોર્ટ પર અસારવા અને કોતરપુર એમ બે તરફથી પ્લેન આવતા હોય છે ત્યારે એરપોર્ટ એન્વાયરમેન્ટ કમિટી દ્વારા એરપોર્ટની નજીકના વિસ્તારમાં પ્લેનની સુરક્ષા માટે બર્ડ હીટનો પ્રશ્ન ઊભો ન થાય તેના માટે થઈ સૂચન કરવામાં આવ્યું હતું જેના પગલે અસારવાના ચમનપુરા અને હોળી ચકલા વિસ્તારમાં જ્યાં ફીશ માર્કેટ તેમજ નોનવેજનું વેચાણ થાય છે તેના ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અસારવાના ચમનપુરા અને હોળી ચકલા વિસ્તારમાં નોનવેજના વેચાણ પર પ્રતિબંધના જાહેર નોટિસના બેનર લગાવી દીધા છે. બેનરમાં જણાવવામાં આવ્યું છે કે જાહેર જનતાને જણાવવાનું કે હોળી ચકલા-સમનપુરા વિસ્તારમાં ફીશ-ચીકન તથા મીટ નું વેચાણ થતું હોવાથી સમડી, ગીધ જેવા પક્ષીઓ વિપુલ પ્રમાણમાં ત્યાં ઉડે છે, જેના લીધે પ્લેન સાથે બર્ડ હિટીંગ થવાની શક્યતાં વધી જાય છે. આ જગ્યા પ્લેનના ટેક ઓફ વે તથા લેન્ડીંગ વે હોવાથી ધ ભારતીય વાયુયાન વિધેયક-૨૦૨૪ની કલમ ૨૫ (૨) તથા ધ એસ્ક્રાફટ રુલ્સ-૧૯૩૭ ના રૂલ્સ ૯૧ મુજબ એરોડ્રામ સંદર્ભ બિંદુથી ૧૦ કિ.મી.ત્રિજયામાં અહીં કોઈ હોનારત ના થાય તે માટે આ જગ્યાં હોળી ચકલા-ચમનપુરા વિસ્તારમાં કીશ તથા મીટનું વેચાણ કરતાં વેન્ડર્સ તથા દુકાનદારોને અહીં વેચાણ કરવા દેવા પર સ્પષ્ટ-પ્રતિબંધ જાહેર કરવામાં આવે છે. જાે તેમ કરવામાં કસૂર થશે, તો આપના વિરુધ્ધ ધ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૨૫(બી) હેઠળ ૩ વર્ષ સુધીની સખત કેદની સજા તથા રૂ.૧૦ હજારનો દંડ થશે.અસારવા વિસ્તારમાં હોળી ચકલા અને ચમનપુરા જે ચામુંડા બ્રિજનો વિસ્તાર છે ત્યાં મોટા પ્રમાણમાં બકરા બજાર અને ફિશ માર્કેટ ભરાય છે જેના કારણે થઈને આસપાસના વિસ્તારમાં મોટી સંખ્યામાં પક્ષી - સમડીઓ ઉડતી હોય છે. ઘણી વખત વાહનચાલકોને પણ હેરાનગતિ થતી હોય છે એટલી મોટી પ્રમાણમાં પક્ષીઓ ઉડતા હોય છે ત્યારે હવે આ વિસ્તારમાં નોનવેજના વેચાણ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution