નારણપુરાની જ્વેલર્સ શોપમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા ગઠિયાએ ૧.૫૦ લાખનું સોનાનું કડું ચોર્યુ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
20, મે 2026  |   2277

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી એક જ્વેલર્સની શોપમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા એક ગઠિયાએ વેપારીની નજર ચૂકવી રૂ૧,૫૦,૦૦૦ની કિંમતનું સોનાનું કડું ચોરી લીધું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. વેપારી દાગીના લેવા અંદર ગયા ત્યારે ડિસ્પ્લેમાં વજન કાંટા પર મૂકેલું કડું લઈને ગઠિયો વેપારીની નજર સામે જ ભાગી છૂટ્યો હતો. જ્યાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે તેને દબોચી લીધો છે. ઘાટલોડિયામાં રહેતા અને નારણપુરા ટેલિફોન એક્સચેન્જ પાસે જ્વેલર્સની દુકાન ચલાવતા ૪૮ વર્ષીય કેતનકુમાર રમણલાલ પટેલે આ અંગે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ચોરની મોડસ ઓપરેન્ડી એકદમ ફિલ્મી હતી. ૭ અને ૮ મેએ આ અજાણ્યો શખ્સ સોનાની વીંટી અને ચેઇન ખરીદવાના બહાને દુકાને આવ્યો હતો. વેપારીનો વિશ્વાસ જીતવા ઓનલાઈન પેમેન્ટ કરવાના બહાને બેંક ડિટેલ્સ પણ લઈ ગયો હતો. ૧૪મે બપોરે ૦૧.૨૧ વાગ્યે તે ત્રીજી વખત મોકો જાેઈને દુકાને આવ્યો. તેણે પહેલાં જાેયેલી વીંટી બતાવવા કહ્યું અને પછી સોનાની ચેઇન જાેવાની માંગણી કરી.જ્યારે દુકાનદાર કેતનભાઈ ચેઇન લેવા માટે પાછળ સેફ લોકર તરફ વળ્યા, ત્યારે આ શખ્સે મોકાનો ફાયદો ઉઠાવ્યો હતો. વજન કાંટાની ડિસ્પ્લે પર એક મહિલા ગ્રાહકે રિપેરિંગ માટે આપેલું ૧૧.૨૩૦ ગ્રામ વજનનું (કિંમત આશરે રૂ. ૧,૫૦,૦૦૦) સોનાનું કડું પડ્યું હતું, જે ચોરે સેકન્ડોમાં ગજવે નાખી દીધું હતું. વેપારી પાછળ દોડ્યા પણ ચોર ભાગી છૂટ્યો હતો. ચોર કડું લઈને જેવો દુકાનની બહાર ભાગ્યો કે તરત જ કેતનભાઈને ખબર પડી ગઈ હતી. તેઓ ચોર-ચોરની બૂમો પાડી તેની પાછળ દોડ્યા, પરંતુ ચોર ચાલાકીપૂર્વક રોડ ક્રોસ કરીને પલ્લવ ચાર રસ્તા તરફ ભાગવામાં સફળ રહ્યો હતો.આ ઘટના ૧૪ મેના રોજ બની હતી, પરંતુ ફરિયાદી કેતનભાઈના વતનમાં લગ્ન પ્રસંગ હોવાથી તેઓ ત્યાં ગયા હતા. પ્રસંગ પતાવીને પરત ફર્યા બાદ તેમણે ૧૯મેના રોજ સાંજે ઘાટલોડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.ઘાટલોડિયા પોલીસે જણાવ્યું કે, ચોરી કર્યા બાદ આ શખ્સ સીધો રાજકોટ ભાગી ગયો હતો. જાેકે, સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે તેને ઝડપી પાડ્યો છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution