દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બે દિવસમાં કુલ આઠ ડેમ ઓવરફ્લો થયા  ઘી ડેમના ત્રણ ગેટ ખોલવામાં આવ્યા
22, જુલાઈ 2023 792   |  

દ્વારકા ખંભાળિયા દ્વારકા જિલ્લામાં ગઈકાલે ગુરુવારે તેમજ આજરોજ શુક્રવારે બે દિવસથી અવિરત રીતે નોંધપાત્ર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં જિલ્લાના મોટાભાગના નાના જળસ્ત્રોતો છલકાઈ જતા તેની સીધી આવક હવે મોટા ડેમમાં થઈ રહી છે. ગઈકાલના ભારે વરસાદના કારણે ચાર ડેમ છલકાયા બાદ આજે સવારે સુધીમાં વધુ ચાર ડેમ છલકાઈ ગયા છે.ગઈકાલના ભારે વરસાદના કારણે દેવભૂમિ દ્વારકા જિલ્લાનો સૌથી મોટો ગણાતો વર્તુ- ૨ ડેમ જેની સપાટી ૩૮.૮૦ ફૂટની નિયત થઈ છે, ત્યાં પહોંચી જતા રાત્રિના સમયે આ ડેમના પાંચ દરવાજા ખોલવામાં આવ્યા હતા. ગઈકાલે મીણસાર, વેરાડી - ૧, કબરકા અને સુનમતી ડેમ બાદ આજે વેરાડી- ૨, વર્તુ- ૨, વર્તુ- ૧ તથા મહાદેવીયા મળી કુલ ચાર ડેમ સાથે બે દિવસમાં ૮ ડેમ છલકાઈ ગયા છે.જ્યારે ૨૮ ગામોની જીવાદોરી સમાન ઘી ડેમમાં એક દિવસના વરસાદથી શહેરને ત્રણ માસ ચાલે તેટલો નવો પાણીનો જથ્થો સંગ્રહિત થયો છે. આ સાથે સિંધણી, શેઢા ભાડથરી, કંડોરણા, ગઢકી સહિતના ડેમોમાં પણ નોંધપાત્ર નવું પાણી આવ્યું છે.ખંભાળિયાના ઘી ડેમમાંથી નીકળી અને શહેરના પાદરમાંથી પસાર થતી ઘી નદી કે જે અનેક નાના બોર-કુવા જેવા જળ સ્ત્રોતોને જીવંત રાખે છે. તે ઘી નદી ગઈકાલના ભારે વરસાદના કારણે ચિક્કાર ભરાઈ ગઈ હતી. આ નદી વચ્ચે ખામનાથ મહાદેવ મંદિર નજીક પાજ બનાવવામાં આવી છે. આ નદી છલોછલ ભરાઈ જતા નિચાણવાળા વિસ્તારોમાં તેમજ પોસ રહેણાંક એવી રામનાથ સોસાયટીમાં વરસાદી પાણી અંગેની હાલાકી ના સર્જાય તે હેતુથી નગરપાલિકા દ્વારા આજરોજ સવારે આ નદીના ત્રણ ગેટ બે ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા. જેથી પાણીનો ધસમસતો પ્રવાહ સલાયાના દરિયા તરફ઼ વહ્યો હતો.દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે સવારથી બપોરે બાર વાગ્યા સુધીમાં દ્વારકા તાલુકામાં ૪૯ મિલીમીટર (બે ઈંચ), ખંભાળિયા તાલુકામાં સાડા આઠ ઈંચ (૨૧૭ મિલીમીટર), કલ્યાણપુર તાલુકામાં ત્રણ ઈંચ, (૮૦ મિલીમીટર) અને ભાણવડમાં ચાર મિલીમીટર વરસાદ નોંધાયો છે.આ સાથે છેલ્લા ૨૬ કલાક દરમિયાન ખંભાળિયા તાલુકામાં ૧૪ ઈંચ (૩૪૭ મિલીમીટર), દ્વારકા તાલુકામાં સાડા ૧૧ ઈંચ (૨૮૩ મિલીમીટર), કલ્યાણપુર તાલુકામાં કુલ ૧૭૭ મિલીમીટર (સાત ઈંચ) પાણી પડી ગયું છે.આજના મુશળધાર વરસાદના પગલે હજુ પણ તમામ સ્ત્રોતોમાં પાણીની આવક ચાલુ છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution