લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
23, મે 2026 |
2277
કામરેજ સ્થિત અવંતિકાપુરી સોસાયટીમાં રહેતા દિનેશ વસોયા કાપડનાં ધંધા સાથે સંકળાયેલા છે. તેઓ કીમનાં મોટા બોરાસરા ખાતે વર્ષા ટેક્સ નામથી પેઢી ચલાવે છે. સુરતમાં રિંગરોડ પર આવેલી જશ માર્કેટમાં દુકાન રાખી જરીનું કામ કરતા વિપુલ મનસુખ ભાદાણી સાથે તેમને વીસેક વર્ષથી ઓળખ પરિચય છે. વસોયાએ ધંધાકીય કામ અર્થે ભાદાણી પાસે પૈસા લીધા હતાં. જે તેઓ નિયત સમયમાં પરત ચૂકવી શક્યા ન હતાં.
ગત ૨૦૨૨માં વસોયાએ આ લેણાં સામે તેમની રાજકોટમાં આવેલી એક એકર જમીન વરાછા ખાતે આવેલ સંતોકબા સોસાયટીમાં રહેતા વિપુલ ભાદાણીને લખી આપી હતી. ૨૦૨૨માં જ રાજકોટ ખાતે એક જમીનનો દસ્તાવેજ કરવા માટે દિનેશ વસોયાએ વિપુલ ભાદાણીને પોતાના ડોક્યુમેન્ટ્સ આપ્યા હતા. આ ડોક્યુમેન્ટ્સનાં માધ્યમથી વિપુલ ભાદાણીએ ઉધના ખાતે આવેલ સ્મોલ ફાયનાન્સ બેંક, અડાજણ ખાતે આવેલ એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક અને વરાછાની આઈડીએફસી તથા રિંગરોડની બંધન બેંકમાં ખોટી સહી કરીને એકાઉન્ટ્સ ખોલાવી દીધા હતા.
વિપુલ ભાદાણીએ દિનેશ વસોયાના પાન કાર્ડની સહીમાં પણ સુધારો કરીને બેંકમાં પાનકાર્ડની નકલ રજુ કરી હતી. આ તમામ બેંક એકાઉન્ટમાં એક વર્ષ દરમિયાન આરોપીએ અંદાજે પાંચ કરોડ રૂપિયાનાં આર્થિક વ્યવહાર કરી દેતાં દિનેશ વસોયા ચોંકી ઉઠ્યા હતા. આ સંદર્ભે તેઓએ તપાસ કરતાં તમામ બેંકનાં કર્મચારીઓ દ્વારા પણ યોગ્ય કેવાયસી કે ખરાઈ કર્યા વિના જ ખાતા ખોલી દેવામાં આવ્યાનું જણાઇ આવ્યું હતું. એટલું જ નહીં તેઓએ બેંકમાં જઈ સ્ટેટમેન્ટ માગ્યા ત્યારે અધિકારી કર્મચારીઓએ સહકાર આપ્યો ન હતો. તેઓ બેંકમાં પહોંચ્યા અને ગણતરીના મિનિટોમાં જ વિપુલ ભાદાણીએ તેમને કોલ કરી આ એકાઉન્ટ પોતે ખોલાવ્યા હોવાની કબૂલાત કરી હતી.
ડોક્યૂમેન્ટમાં ચેડા કરી, ખોટીઓ કરીને ખોટી રીતે એકાઉન્ટ ખોલાવી પાંચ કરોડના ટ્રાન્ઝેક્શન કરનારા વિપુલ ભાદાણી સામે દિનેશ વસોયાએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
સીએ દ્વારા વસાયોની પેઢીનું ઓડિટ કરતાં ફેક એકાઉન્ટનો ભાંડો ફુટ્યો
ગત ઓક્ટોબર ૨૦૨૫માં દિવાળીનાં સમય દરમિયાન દિનેશ વસોયાનાં સીએ દ્વારા તેમની પેઢી વર્ષા ટેક્ષનું ઇન્કમટેક્સનું રિટર્ન ઓડીટ હાથ ધરવામાં આવ્યું ત્યારે સ્મોલ ફાઈનાન્સ બેંક, એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક, આઇડીએફસી બેંકનાં સ્ટેટમેન્ટ માગ્યા હતા. દિનેશ વસોયાનાં આ બેંકમાં એકાઉન્ટ્સ જ ન હોવાને કારણે તેમના પેટમાં ફાળ પડી હતી અને તમામ બેંકની શાખાઓમાં તપાસ કરતાં તેમની જાણ બહાર જ કરોડો રૂપિયાનાં ટ્રાન્ઝેક્શન થઈ ગયા હતા. વધુ તપાસ હાથ ધરતાં વિપુલ ભાદાણીએ જ આ બેંકમાં તેમના આર્થિક લાભ માટે એકાઉન્ટ્સ ખોલાવ્યા હોવાની જાણ થઈ હતી.
ભાદાણીએ ટ્રાન્ઝેક્શન ઉપર ટેક્સ ભરી દેવા માટે તૈયારી દાખવી
દિનેશ વસોયાનાં જાણ બહાર જ તેમના નામે ખોલાવાયેલા ચાર અલગ - અલગ બેંક એકાઉન્ટ થકી કરોડોનાં ટ્રાન્ઝેક્શન થયા હોવાના કારણે ઈન્કમટેક્સનું મોટું ભારણ આવશે તેમ સીએએ જણાવ્યું હતું. વિપુલ ભાદાણીએ દિનેશ વસોયાનો સંપર્ક કરીને જણાવ્યું હતું કે, મારે રૂપિયાની જરૂરિયાત હોવાને કારણે મેં તમારા નામે તમારી જાણ બહાર જ બેંકમાં ખાતા ખોલાવવા માટે પાનકાર્ડમાં સુધારો કર્યાે હતો. આ તમામ ખાતાઓમાં પાંચ કરોડ રૂપિયા જેટલો વ્યવહાર થયો હોવાનું કહી એમાં જે ટેક્સ ભરવાનો આવશે એ હું ભરી દઈશ એવી સમાધાનકારી ઓફર આપી હતી.