લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
13, મે 2026 |
1782
અમદાવાદ શહેરના કુબેરનગર વિસ્તારમાં લગ્ન સમારંભ હિંસક બની ગયાની ઘટના બનવા પામી છે. ભોજનમાં પીરસાયેલા પુલાવ અને મેનૂને લઈને શરૂ થયેલી સામાન્ય બોલાચાલી જાેતજાેતામાં ઉગ્ર બની જતા બંને પક્ષ વચ્ચે મારામારી સર્જાઈ હતી. ઘટનામાં અનેક લોકોને ઈજા પહોંચી હતી, જેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. માહિતી અનુસાર, કુબેરનગર વિસ્તારમાં યોજાયેલા લગ્ન પ્રસંગ દરમિયાન જમણવાર ચાલી રહ્યો હતો ત્યારે વર અને કન્યા પક્ષ વચ્ચે ભોજનની ગુણવત્તા અને મેનૂ અંગે બોલાચાલી શરૂ થઈ હતી. શરૂઆતમાં મામલો શાંત પડી ગયો હતો, પરંતુ મોડી રાત્રે ફરી વિવાદ વકરતાં બંને પક્ષ સામસામે આવી ગયા હતા. મહેમાનોની હાજરીમાં જ લગ્ન મંડપમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કન્યા પક્ષ તરફથી કશિશ કછવાયાએ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, વરરાજા સાગર, તેનો ભાઈ અમૃત અને તેમના મિત્રોએ ફરી ઝઘડો શરૂ કરી કન્યાના પિતા પર ધારદાર હથિયાર વડે હુમલો કર્યો હતો. વચ્ચે બચાવ કરવા આવેલા પરિવારજનોને પણ માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સાથે જ મારામારી દરમિયાન સોનાના દાગીનાની ચોરી થયાનો પણ આરોપ મૂકાયો છે. બીજી બાજુ, વર પક્ષના મિત્ર આકાશસિંહ પરિહારે વળતી ફરિયાદ નોંધાવી છે. તેમના જણાવ્યા મુજબ, વિવાદની શરૂઆત કન્યાના ભાઈ રીતિકે “મેનૂમાં બિરયાની કેમ નથી?” તે મુદ્દે હંગામો મચાવતાં થઈ હતી. ત્યારબાદ કન્યાના પિતા અને ભાઈએ રસોડામાં વપરાતા લોખંડના ઝારા અને તાવેતા વડે હુમલો કર્યો હતો, જેમાં વર પક્ષના કેટલાક લોકોને માથા અને ખભાના ભાગે ઈજાઓ પહોંચી હતી.