લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, જુન 2026 |
2376
અમદાવાદ શહેરમાં ડ્રગ્સના વધતા દૂષણને જડમૂળથી ઉખેડી નાખવા માટે પોલીસ એક્શન મોડમાં છે. તેવામાં કાલુપુર વિસ્તારમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે એક મોટી અને સફળ કાર્યવાહી કરી છે. કાલુપુર રેલવે સ્ટેશનની નજીક ઝકરીયા મસ્જિદની બિલકુલ સામે આવેલી ‘સન્ની હોટલ’ના રૂમ નંબર ૧૦૯માં નશીલા પદાર્થ એમ.ડી. ડ્રગ્સનો કારોબાર ચાલતો હોવાની બાતમીના આધારે પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે એક મહિલા અને એક પુરુષને લાખોની કિંમતના ડ્રગ્સના જથ્થા સાથે રંગેહાથ ઝડપી પાડ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર,સબ ઇન્સ્પેક્ટર વી.એ. રાઠોડ અને તેમની ટીમને ખાનગી રાહે એવી ચોક્કસ બાતમી મળી હતી કે દરિયાપુર વિસ્તારનો શખ્સ મોહમ્મદ સાદિક અને તેની સાથે એક મહિલા હોટલમાં માદક પદાર્થ સાથે રોકાયા છે. આ બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટરની આગેવાની હેઠળની ટીમના સ્ટાફે ગત મંગળવારે રાત્રે સન્ની હોટલને ઘેરો ઘાલ્યો હતો. હોટલના રૂમ નંબર ૧૦૯નો દરવાજાે ખખડાવતા જ અંદરથી મોહમ્મદ સાદિક ઉર્ફે કાલુ રિયાઝહુસેન અરબ (ઉં.વ. ૩૭, રહે. દરિયાપુર) અને સીમા દિલીપભાઈ હરજાણી (ઉં.વ. ૨૨, રહે. કુબેરનગર) મળી આવ્યા હતા.પોલીસે બે સરકારી પંચોની હાજરીમાં આ બંનેની તલાશી લેતા તેમની પાસેથી પ્લાસ્ટિકની ઝીપ લોકવાળી પારદર્શક થેલીઓ મળી આવી હતી, જેમાં નશીલો પાવડર ભરેલો હતો. એફ.એસ.એલ. અધિકારીને સ્થળ પર બોલાવી પદાર્થનું પરીક્ષણ કરાવતા તે ઘાતક ‘મેફેડ્રોન ડ્રગ્સ‘ હોવાનું સ્પષ્ટ થયું હતું. તપાસ દરમિયાન મોહમ્મદ સાદિક પાસેથી ૮.૮૬ ગ્રામ જેની કિંમત રૂ. ૮૮,૬૦૦ અને સીમા હરજાણી પાસેથી ૧.૪૩ ગ્રામ જેની કિંમત રૂ. ૧૪,૩૦૦ એમ કુલ ૧૦.૨૯ ગ્રામ ડ્રગ્સ જપ્ત કરાયું હતું. આ ઉપરાંત આરોપીઓ પાસેથી બે સ્માર્ટફોન, ૬,૩૩૦ રૂપિયાની રોકડ રકમ અને ડ્રગ્સનું વજન કરવા માટે વપરાતો એક નાનો ઇલેક્ટ્રિક કાંટો પણ મળી આવ્યો હતો.