મહોલ્લામાં ઝઘડો કરવા અંગે ટોકતાં યુવકને ચપ્પુનાં ઘા ઝીંકી દીધા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
20, મે 2026  |   1683

સામાન્ય બોલાચાલીમાં યુવક ઉપર ઘાતકી હુમલો કરવાનો વધુ એક બનાવ ઉધના વિસ્તારમાં બન્યો હતો. હત્યા, હત્યાનાં પ્રયાસની ઘટનામાં હુમલાખોરોને પકડવામાં ફાંફાં મારી રહેલી ઉધના પોલીસને પડકાર ફેંકતાં હોય એમ મફતનગરનાં માથાભારે યુવકો સ્થાનિક રહેવાસીને છાતી અને પીઠ પર ઘા મારી ફરાર થઇ ગયા હતાં. પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર ઉધના ખાતે મફતનગરમાં વસવાટ કરતા ૩૧ વર્ષીય વસંત અશોક ઈન્દવે મજુરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. મૂળ મધ્ય પ્રદેશનાં ખેતિયાનાં વતની વસંત ઇન્દવેને આ વિસ્તારમાં જ રહેતા જીગર વસાવા, ધ્રુવ ઉર્ફે ઢુલી અને મુકેશ નામના યુવકો સાથે કેટલાક સમયથી માથાકૂટ ચાલતી આવી છે. મહોલ્લામાં અવાર નવાર ઝઘડો કરવા અંગે ટોકનાર વસંતને તેઓએ દાઢમાં રાખ્યો હતો. આ ઉપરાંત વસંતે થોડા સમય પૂર્વે જીગર વસાવા પાસે બાઈક માંગતા તે બાબતે પણ ઝઘડો થયો હતો. આ અદાવતમાં ગત ૧૮મી તારીખે રાત્રે ૯ વાગ્યાની આસપાસ મહોલ્લાની પાછળ ખાડી પાસે લઘુશંકા કરીને વસંત ઈન્દવે ઘર તરફ જઈ રહ્યો હતો. દરમિયાન જીગર, ધ્રુવ અને મુકેશે ત્યાં જઈ ચઢ્યા હતાં. તેમણે ઇન્દવેને ઘેરી લઇ ગાળાગાળી કરીને તેના પર ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો. પીઠ તથા છાતીનાં ભાગે ઘા માર્યા બાદ એ ત્રણેય ઈન્દવેને જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરાર થઇ ગયા હતાં. હતી. સમગ્ર ઘટના અંગે હુમલાનો ભોગ બનેલા વસંત ઈન્દવે દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution