આપ નેતાએ પોતાની જ કંપનીની મહિલાનું અપહરણ કરી માર માર્યો: પોલીસે અટકાયત કરી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, માર્ચ 2026  |   1881

ગાંધીનગરમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ હસમુખ પટેલ સામે ગંભીર ગુનો નોંધાતા રાજકીય આલમમાં ખળભળાટ મચી ગયો છે. હસમુખ પટેલની પોતાની જ કંપનીમાં કામ કરતી એક મહિલાએ તેમના વિરુદ્ધ અપહરણ અને શારીરિક હુમલાની ફરિયાદ નોંધાવી છે. આ મામલે ગાંધીનગર પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને હસમુખ પટેલની અટકાયત કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે. ભોગ બનનાર મહિલા હસમુખ પટેલની કંપનીમાં ઓડિટ અને હિસાબોનું કામ સંભાળતી હતી. પોલીસ ફરિયાદ મુજબ, છેલ્લા કેટલાક સમયથી કંપનીના ઓડિટ અને હિસાબોના કામ બાબતે બંને વચ્ચે મનદુ:ખ ચાલી રહ્યું હતું. આ હિસાબી વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા હસમુખ પટેલે મહિલાને પાઠ ભણાવવા માટે તેનું અપહરણ કરી માર માર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ કેસમાં માત્ર હસમુખ પટેલ જ નહીં, પરંતુ તેમના પરિવારના સભ્યોની સંડોવણી પણ સામે આવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, હસમુખ પટેલની સાથે તેમના ભાઈ હિમાંશુ પટેલ અને અન્ય બે મહિલાઓએ પણ આ ગુનામાં સાથ આપ્યો હતો. પોલીસે હસમુખ પટેલ ઉપરાંત આ તમામ લોકો સામે મેળાપીપણું કરીને અપહરણ અને મારામારી કરવા બદલ ગુનો દાખલ કર્યો છે. મહિલા કર્મચારીની ફરિયાદ મળતા જ ગાંધીનગર પોલીસ હરકતમાં આવી છે અને હાઈપ્રોફાઈલ નેતા સામે કડક વલણ અપનાવ્યું છે. હાલ પોલીસે હસમુખ પટેલની ધરપકડ કરી આગળની પૂછપરછ શરૂ કરી છે, જ્યારે અન્ય સહ-આરોપીઓની શોધખોળ અને આ ઘટના પાછળના વધુ પુરાવાઓ એકત્ર કરવાની કામગીરી પણ તેજ બનાવી દેવામાં આવી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution