વડોદરા : એસીબી વિભાગને પાલિકાના ભ્રષ્ટાચાર અંગે સંખ્યાબંધ અરજીઓ મળી હતી જેમાં ૪૦ અરજીઓ તથ્ય જણાઈ એ પૈકી ૧૬ અધિકારી-કર્મચારીઓ સામે તપાસ શરૂ કરવામાં આવી છે. પાલિકામાં હવે પરનામી પછી કોણ? એવી ચર્ચા શરૂ થઈ છે. ત્યારે આઈટીના ડાયરેકટર મનીષ ભટ્ટ પણ અડફેટમાં આવી જાય એવી શક્યતાઓ ઊભી થઈ છે. પાલિકામાં વ્યાપેલા ભ્રષ્ટાચારની વિગતો મેળતા એસીબી વિભાગને પરસેવો પડી ગયો હતો, પરંતુ આખી યોજના બનાવી ગમે ત્યારે ત્રાટકે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. 

શહેરને સ્માર્ટ સિટી બનાવવાના નામે પાલિકાના ઈતિહાસમાં થયેલા સૌથી મોટા કૌભાંડમાં આઈટી વિભાગ મોખરે હોવાની માહિતી બહાર આવી છે. ત્યારે બજાર ભાવ કરતાં અનેક ગણી કિંમતે ખરીદેલા સાધનો પણ જરૂર ના હોય એવી જગ્યાઓ ઉપર પણ લગાવી દેવાયા છે. જેમાં શહેરના ખૂલ્લા પ્લોટ જેની આસપાસ કંપાઉન્ડ વોલ કે ફેન્સિંગ હોવા છતાં એવા સ્થળો ઉપર લાખો રૂપિયાના ખર્ચે એક એવા ચાર-ચાર કેમેરા લગાવી બિનજરૂરી ખર્ચાઓ આઈટી વિભાગમાં પાડી દેવાયા છે. જાગૃત નાગિરકો દ્વારા એસીબીને કરાયેલી પાલિકાના ભ્રષ્ટાચારની અરજીઓમાં પુરાવા પણ રજૂ કરાયા હતા. જેમાં કેટલાક ફોટોગ્રાફ હોવાનું એસીબીના સૂત્રોએ જણાવ્યું છે. અરજીઓ મળ્યા બાદ એસીબીએ સૌ પ્રથમ ઉચ્ચ કક્ષાએથી મંજૂરી મેળવી હતી અને ભ્રષ્ટાચારને શોધી કાઢવા રીતસર બેઠકો યોજી ઉચ્ચ અધિકારીઓનું માર્ગદર્શન મેળવાયું હતું. કોઈને જલદી ખબર ન પડે એ રીતે પાલિકામાં થયેલા ભ્રષ્ટાચારને સમજવામાં એસીબીની ટીમને લાંબો સમય લાગ્યો હતો જેમાં પાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ ઉપરાંત રાજકીય નેતાઓની સંડોવણી પણ હોવાનું બહાર આવ્યું હતું. પરંતુ હાલમાં માત્ર પાલિકાના અધિકારી-કર્મચારીઓ સામે જ તપાસ શરૂ કરવામાં આવી છે અને શરૂઆત અપ્રમાણસર મિલકતો શોધવાથી થઈ હતી, જેમાં પરનામી પહેલાં જ પકડાઈ ગયા હતા અને હાલમાં જેલની હવા ખાઈ રહ્યા છે. આવા પાલિકાના ૧૬ અધિકારી-કર્મચારીઓનંુ લિસ્ટ એસીબીએ તૈયાર કર્યું છે. ભ્રષ્ટાચારની આખી ચેઈન શોધી જુદા જુદા તબક્કે કેવી રીતે ભ્રષ્ટાચાર થાય છે એની આખી સમજણ મેળવી કાગળ ઉપર આખી યોજના બનાવી હોવાનું એસીબીના સૂત્રોએ જણાવ્યું છે. બીજી તરફ પાલિકાના ભ્રષ્ટ તંત્રને પણ પરનામી સામેની કાર્યવાહી બાદ રેલો આવશે એવા ડરે ભ્રષ્ટાચારના પુરાવા સગેવગે કરવાનું શરૂ કરી દેવાય છે જેમાં મહત્ત્વની ફાઈલો ગાયબ કરી દેવા ઉપરાંત ખરીદીના બિલો બનાવવાની શરૂ કરી દેવાયું હોવાનું કહેવાય છે.

પાલિકાના ખૂલ્લા પ્લોટોમાં સીસીટીવી કેમેરા લગાવી રૂપિયા લૂંટયા!

શહેરને સ્માર્ટ સિટી બનાવવાના પ્રોજેકટોમાં મોટી રકમ ખર્ચાઈ છે એ આઈટી વિભાગે શહેરમાં એક હજાર કેમેરા લખલૂટ ખર્ચે લગાવ્યા છે એ પૈકી કેટલાક બિનજરૂરી જગ્યાએ લગાવ્યા હોવાના પુરાવા સાથે એસીબીને રજૂઆત કરવામાં આવી છે. પાલિકાના ખૂલ્લા પ્લોટ જેની કંપાઉન્ડ વો હયાત છે અને ફેન્સિંગ પણ થયેલ હોવા છતાં ભ્રષ્ટાચાર કરવા આવા ખોટા ખર્ચાઓ આઈટી વિભાગે કર્યા હોવાનું એસીબીને થયેલી લેખિત ફરિયાદમાં કરી ફોટોગ્રાફ સહિત પણ પુરાવારૂપે અપાયા છે.