લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
07, મે 2026 |
2079
શહેરના નારણપુરા વિસ્તારમાં નિકેતન સોસાયટી પાસે એએમટીએસબસની બ્રેક ફેલ થઈ ગઈ હોવાના કારણે અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર અને બે બાઈકને બસે ટક્કર મારી હતી. જ્યારે બાઈક ચાલકને સામાન્ય ઇજા થઈ હતી. ઘટનાની જાણ ટ્રાફિક પોલીસને થતા પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. સ્થાનિક લોકોએ ડ્રાઇવરને પકડી લીધો હતો અને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયો હતો. સ્થાનિકોનો આક્ષેપ છે કે ડ્રાઇવર નશામાં ડ્રાઇવિંગ કરી રહ્યો હતો જાે કે સમગ્ર મામલે ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી.
મળતી માહિતી મુજબ એએમટીએસ બસની લાલ દરવાજાથી લાલ દરવાજાની ૪૦૦ નંબરની સર્ક્યુલર રૂટની બસ નારણપુરા ચાર રસ્તાથી આગળ નિકેતન સોસાયટી પાસે જઈ રહી હતી. દરમિયાનમાં બસની બ્રેક ફેલ થતા બાઈક અને કારની પાછળ બસ અથડાતા કાર અને બાઈકને જાેરદાર ટક્કર મારી હતી. જેના કારણે થઈને બાઈક ચાલક નીચે પડી ગયો હતો.અકસ્માતમાં બાઈક ચાલકને સામાન્ય ઈજા થઈ હતી. ઘટનાની જાણ થતા ટ્રાફિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ હતી. એએમટીએસના એક્સિડન્ટ ઇન્સ્પેક્ટર સ્થળ પર પહોંચ્યા હતા. આદિનાથ બલ્ક કેરિયર્સ લી પ્રાઇવેટ ઓપરેટરની ટેકનિકલ ટીમ સ્થળ પર આવી ગઈ હતી.એએમટીએસ તંત્રના જણાવ્યા મુજબ બસની બ્રેક ફેલ થઈ જવાના કારણે અકસ્માત થયો હતો અને તેમાં ત્રણ જેટલા વાહનોને અડફેટે લીધા હતા. ડ્રાઇવરને પોલીસ સ્ટેશન ખાતે હાજર કરી દેવામાં આવ્યો છે. ડ્રાઇવરનું નામ ભુખણસિંહ છે.
રોડ ક્રોસ કરતા યુવકને ટ્રકે ટક્કર મારતા ઘટનાસ્થળે જ મોત
સરખેજ વિસ્તારમાં રત્નકર બિલ્ડરની કોલોનીમાં મૂળ રાજસ્થાનના દિનેશ કોટેડ તેમના મોટાભાઈ સુખદેવભાઈ કોટેડ અને પરિવાર સાથે રહે છે. ગઈકાલે ૬ મેના રોજ રાત્રે ૯:૩૦ વાગ્યાની આજુબાજુ દિનેશભાઈ તેમના ઘરે હાજર હતા. ત્યારે તેમની ભાભીનો ફોન આવ્યો હતો કે બોપલ બ્રિજ પાસે તેમના ભાઈનો અકસ્માત થયો છે. જેથી તેઓ બોપલ બ્રિજ પાસે પહોંચ્યા હતા ત્યારે મોટી સંખ્યામાં લોકોનું ટોળું ભેગું થયેલું હતું. ટોળામાં તેમના ભાઈનો દીકરો રાહુલ હાજર હતો.
રાહુલને પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે સુખદેવ રિક્ષામાં ચાંગોદરથી બોપલ બ્રિજ સુધી આવ્યો હતો ત્યારે તેને લેવા માટે આવ્યા હતા. બોપલ બ્રિજના છેડે સરસ્વતી હોસ્પિટલ તરફ તેમણે રિક્ષા ઉભી રખાવી હતી. જે બાદ રોડ ક્રોસ કરીને આવતા હતા ત્યારે ટ્રક ચાલકે સુખદેવભાઈને જાેરદાર ટક્કર મારી હતી. આ સમયે ઘટના સ્થળ પર જ સુખદેવભાઈનું મોત થઈ ગયું હતું. જ્યારે ચાલક ટ્રક લઈને ફરાર થઈ ગયો હતો.
બાઇક ચાલક ડિવાઇડર સાથે અથડાઈને બ્રિજ ઉપરથી પટકાયો, સારવાર દરમિયાન મોત
અમદાવાદના બલોલનગર બ્રિજ ઉપર ફરી એક વખત ગંભીર અકસ્માત સર્જાયો છે. પૂરઝડપે જઈ રહેલો બાઇક ચાલક ડિવાઇડર સાથે અથડાઈને બ્રિજની પાળી સાથે અથડાઈ બ્રિજ પરથી નીચે પટકાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા સંજય મકવાણા નામના બાઇક ચાલકને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જાે કે સારવાર દરમિયાન મોત થયું હતું.બાઇક ચાલક ન્યુ રાણીપથી બલોલનગર તરફ બાઇક ચાલક જઈ રહ્યો હતો ત્યારે બલોલ નગર બ્રિજ ઉપર ઝડપના કારણે બાઇક પરથી કાબુ ગુમાવ્યો હતો. ત્યાર બાદ નીચે પટકાતા તેને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. આ ઇજાને કારણે ખૂબ જ લોહી નીકળવા લાગ્યું હતું. બ્રિજ પર થતા અકસ્માતથી સ્થાનિકો પણ પરેશાન થયા છે.બ્રિજ ઉપર જાેખમી વળાંકના કારણે અવારનવાર અકસ્માતની ઘટનાઓ બની રહી છે.થોડા સમય અગાઉ પણ આ જ બ્રિજ ઉપર આ પ્રકારના એ અકસ્માતમાં ટુ-વ્હીલર ચાલક બ્રિજ પરથી નીચે પટકાતા સ્થળ પર મોત થયું હતું. બ્રિજ ઉપર સુરક્ષા વ્યવસ્થા માટે ટ્રાફિક વિભાગ દ્વારા એએમસીને જાણ કરવામાં આવી છે.