લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
30, જાન્યુઆરી 2026 |
2277
અમદાવાદ, અમદાવાદ જિલ્લાના બાવળા-બગોદરા હાઈવે પર રામનગર પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ખાનગી કંપનીની લક્ઝરી બસ અને બોલેરો પીકઅપ વચ્ચે થયેલી ટક્કરમાં ૧૦થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા. મળતી માહિતી મુજબ, બોલેરો પીકઅપમાં સવાર લોકો બાવળામાં માતાજીનો માંડવો પતાવી ભાવનગર તરફ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન રામનગર પાસે રોડ પર યુ-ટર્ન લઈ રહેલી લક્ઝરી બસ સાથે બોલેરો પીકઅપ ધડાકાભેર અથડાઈ હતી.અકસ્માતની જાણ થતા જ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા. તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરાઈ હતી અને ઘાયલ થયેલા તમામ લોકોને બાવળા ઝ્રૐઝ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.ઇજાગ્રસ્તો પૈકી જે વ્યક્તિઓની હાલત ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા.ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. બાવળા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. પ્રાથમિક તપાસમાં લક્ઝરી બસના ચાલકે અચાનક યુ-ટર્ન લેતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું.
ધોલેરાના હેબતપુર પાટિયા પાસે કાર અકસ્માત
ધોલેરાના હેબતપુર પાટિયા નજીક ઇકો કાર અને હ્યુન્ડાઈ અમેઝ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ઇકો કારમાં સવાર છ લોકોમાંથી ત્રણને ગંભીર ઇજાઓ થઈ હતી.ઇકો કાર ઢાળ ચડી રહી હતી તે સમયે અમદાવાદ તરફથી આવી રહેલી હ્યુન્ડાઈ અમેઝ કાર સાથે અથડાઈ હતી.ઇજાગ્રસ્તોને ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા.સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ સ્થળે ઢાળ પરથી રોડ ઉપર ચડતી વખતે વારંવાર અકસ્માતો સર્જાતા રહે છે.