લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
18, એપ્રીલ 2026 |
3267
કાગડાપીઠના કંટોડિયા વાસમાં વર્ષ ૨૦૦૯માં થયેલા લઠ્ઠાકાંડમાં ઘણા વ્યક્તિનાં મૃત્યુ થયાં હતાં. આ ચકચારી કેસમાં સંડોવાયેલો આરોપી સબ્બીર હુસેન ઉર્ફે ઝાકીર કાસમ હુસેન મોમીન જેલમાંથી મુક્ત થઈને આવ્યો હતો ત્યાં જ નારોલ પોલીસે સબ્બીર હુસેન અને તેને ગાંજાનો જથ્થો પૂરો પાડનાર મોહમ્મદ રસીદ ઉર્ફે રજુઆની ૨ કિલો ૪૦૦ ગ્રામ ગાંજા સાથે ધરપકડ કરી છે. નારોલ પોલીસ મથકની એનડીપીએસ સ્ક્વોડને બાતમી મળી હતી કે, વટવાની ગુલમોહર સોસાયટીમાં રહેતો અને અગાઉ કાગડાપીઠના કંટોડિયા વાસના લઠ્ઠાકાંડ તથા કારંજ પોલીસ મથકની હદમાં થયેલી હત્યાના ગુનામાં સજા ભોગવી ચૂકેલો સબ્બીર હુસેન ઉર્ફે ઝાકીર કાસમ હુસેન મોમીન ગાંજાનો જથ્થો લઈ નારોલમાં બાગે કોસર પાસેના ખુલ્લા મેદાનમાં વેચવા માટે ઊભો છે. આ વિગતના આધારે ઇન્સ્પેક્ટર જે.બી. અગ્રવાતે તાત્કાલિક ટુકડીઓ બનાવીને નિર્ધારિત સ્થળ પર મોકલી હતી. બાગે કોસર પાસેના ખુલ્લા મેદાનમાં આરોપી સબ્બીર હુસેન હાથમાં થેલી લઈને ઊભો હતો, આથી પોલીસે તેને ચારેય તરફથી ઘેરી લીધો હતો. પીઆઇ અગ્રવાતે આરોપીને પકડી તેની થેલીની તપાસ કરતાં તેમાંથી ગાંજાે મળી આવ્યો હતો. પોલીસે ગાંજાનું વજન કરતાં આરોપી પાસેથી ?૧.૨૦ લાખની કિંમતનો ૨ કિલો ૪૦૦ ગ્રામ જથ્થો કબજે કર્યો છે. આ ગેરકાયદે જથ્થો તે ક્યાંથી અને કોની પાસેથી લાવ્યો છે, તે અંગે પોલીસે સઘન પૂછપરછ કરતાં આરોપીએ સ્વીકાર્યું હતું કે, તે નારોલના સાહિલનગરમાં રહેતા મોહમ્મદ રસીદ ઉર્ફે રજુઆ પાસેથી છૂટક વેચાણ માટે આ ગાંજાે લાવ્યો હતો. ત્યારબાદ નિરીક્ષક અગ્રવાતની સૂચનાથી સર્વેલન્સ સ્ક્વોડની બીજી ટુકડીએ તાત્કાલિક કાર્યવાહી કરી ગાંજાે પૂરો પાડનારા મોહમ્મદ રસીદ ઉર્ફે રજુઆની ધરપકડ કરી હતી.
પોલીસ પૂછપરછમાં યુવક સબ્બીર હુસેને જણાવ્યું કે, વર્ષ ૨૦૦૯માં કાગડાપીઠના કંટોડિયા વાસમાં થયેલા લઠ્ઠાકાંડના ગુનામાં પોલીસે તેની ધરપકડ કરી હતી. આ ઉપરાંત, કારંજ પોલીસ મથકની હદમાં થયેલી હત્યાના ગુનામાં પણ તે સજા ભોગવી ચૂક્યો છે. આરોપીએ પોલીસને વધુમાં જણાવ્યું કે, જેલમાંથી મુક્ત થયા બાદ તેની પાસે કોઈ રોજગારી ન હોવાથી તેણે છૂટકમાં ગાંજાે લાવી તેનું વેચાણ કરવાનું નક્કી કર્યું હતું.