બિહારના સીએમને હત્યાની ધમકી આપનાર આરોપી સાણંદથી ઝડપાયો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
17, એપ્રીલ 2026  |   2178

બિહારના નવનિયુક્ત મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપવાના કેસમાં ગુજરાત પોલીસને મોટી સફળતા મળી છે. સાણંદ પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી શેખર યાદવ નામના શખ્સની ધરપકડ કરી છે. આ આરોપીએ મુખ્યમંત્રીના પર્સનલ આસિસ્ટન્ટને ફોન કરીને ગંભીર ધમકી આપી હતી, જે બાદ બિહારથી લઈને ગુજરાત સુધી તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટના માર્ગદર્શન હેઠળ સાણંદ પોલીસે ગુપ્ત ઓપરેશન પાર પાડ્યું હતું. આરોપી શેખર યાદવ સાણંદ-કડી રોડ પર હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે તેને દબોચી લીધો હતો. પકડાયેલો આરોપી મૂળ બિહારના બાંકા જિલ્લાનો વતની છે અને હાલ સાણંદના નિધરાડ ગામ પાસે આવેલી એક ડ્રાયપોર્ટ કંપનીમાં નોકરી કરતો હતો. મુખ્યમંત્રીને ધમકી આપવાના આ મામલે બિહારના મુંગેર જિલ્લામાં વિધિવત ફરિયાદ નોંધાઈ હતી. બિહાર પોલીસ સતત ગુજરાત પોલીસના સંપર્કમાં હતી અને લોકેશન ટ્રેસ કરવામાં આવી રહ્યું હતું. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. તેણે કયા કારણોસર મુખ્યમંત્રીને નિશાન બનાવ્યા તે અંગે હવે ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. સાણંદ પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ ગંભીર કલમો હેઠળ કાર્યવાહી કરી છે. હાલ આરોપીને રાઉન્ડ-અપ કરી દેવામાં આવ્યો છે અને વધુ તપાસ માટે બિહાર પોલીસની ટીમને સોંપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ટેકનોલોજીની મદદથી આરોપી ભલે ગમે તે રાજ્યમાં છુપાયો હોય, પોલીસના હાથથી બચવું મુશ્કેલ છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution