લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
13, મે 2026 |
1881
લૉ ગાર્ડન ખાતેની જીએલએસ કોલેજ પાસે શાહીબાગના કુખ્યાત બૂટલેગર કિશોર લંગડાના પૌત્રએ વિદ્યાર્થીઓને ધમકી આપીને હથિયારથી થાર ગાડીમાં તોડફોડ કરી હતી. સમગ્ર ઘટના બાદ સીસીટીવી આધારે નવરંગપુરા પોલીસે ગુનો નોંધ્યો હતો. ગત તા.૯ માર્ચે બનેલા આ બનાવ બાદ આદિત્યસિંહ તેના સાગરિતો સાથે ભાગી ગયો હતો. જે બાદ ઝોન-૧ એલસીબીએ ૬૪ દિવસ બાદ આરોપી આદિત્યસિંહની ગાંધીનગર પીડીપીયુ કેમ્પસ બહારથી ધરપકડ કરી છે. ઓઢવમાં રહેતો સુજલ ભરવાડ જીએલએસ કોલેજમાં અભ્યાસ કરે છે. તા.૯ માર્ચે તે એટીકેટીનું ફોર્મ ભરવા ગયો હતો ત્યારે તે તેના મિત્રો સાથે કોલેજ નજીક ઊભો હતો. તે જ સમયે અસારવાના કુખ્યાત બૂટેલગર કિશોર લંગડાનો પૌત્ર આદિત્ય તેના અન્ય બે મિત્રો સાથે ફોર્ચ્યુનર કાર લઈને ત્યાંથી પસાર થતો હતો. તે વખતે સુજલ અને આદિત્યની એકબીજા પર નજર પડી હતી. જે બાદ આદિત્ય તેના સાગરિતો સાથે કાર લઇને આવ્યો અને સુજલ પાસે આવીને તું કેમ મારી સામે જાેવે છે તેમ કહીને બોલાચાલી કરી હતી. આદિત્યએ બીભત્સ શબ્દો બોલતા સુજલે ગાળો બોલવાની ના પાડતા મામલો વધુ બિચક્યો હતો. આદિત્ય સહિત ત્રણ શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે થાર કાર તોડીને હુમલો કર્યો હતો.
સમગ્ર બનાવનો વીડિયો વાયરલ થતા નવરંગપુરા પોલીસે આદિત્ય સહિત ૩ શખ્સો સામે ફરિયાદ નોંધી હતી. આ બનાવના ૬૪ દિવસ બાદ આરોપી ગાંધીનગર પીડીપીયુ રોડ પરથી નીકળવાનો હોવાની બાતમી મળતા જ ઝોન-૧ એલીસીબીની ટીમે આરોપી આદિત્યસિંહ રાઠોડની ધરપકડ કરી છે.
પોલીસે પંચનામાની કાર્યવાહી વખતે મોટો કાફલો સાથે રાખ્યો હતો. કિશોર લંગડાની સાથે તેનો પૌત્ર પણ ગુનાખોરી તરફ આગળ વધી રહ્યો છે. તેણે અકસ્માત કર્યો હતો, હથિયારો સાથે રિલ્સ બનાવી લોકોમાં ભય ફેલાવ્યો હતો અને જીએલએસ કોલેજ પાસે વિદ્યાર્થીઓને ધમકાવ્યા હતા. જેથી આદિત્યની સાન ઠેકાણે લાવવી જરૂરી હોવા છતાં પોલીસે તેને પાઠ ન ભણાવતા રિકન્સ્ટ્રક્શન દરમિયાન બિન્દાસ્ત ચાલતો નજરે પડ્યો હતો.