બે પતિએ તરછોડ્યા બાદ પાડોશીનાં પ્રેમમાં પણ દગો મળતાં યુવતીએ ફાંસો ખાધો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
07, મે 2026  |   2277

 પોલીસ પાસે મળતી માહિતી અનુસાર સિંગણપોરનાં તળાવ ફળિયામાં જયેશ ચંદુભાઈ પટેલ તેમના પરિવાર સાથે રહે છે. આ પટેલ પરિવારનાં સામે બારણે કેયુર સંજય મોદી તેની રત્ની અનમોલ સાથે રહે છે. જયેશભાઇએ તેમની દીકરી મોનિકાનાં લગ્ન વર્ષ ૨૦૦૯માં કિંજલ નટવરલાલ પટેલ સાથે કરાવ્યા હતાં. તેમને દાંપત્ય જીવનમાં એક દિકરો થયો હતો. ત્યારબાદ મોનિકા અને કિંજલ વચ્ચે અણબનાવ બનતાં તેઓ ૨૦૧૪માં છૂટા પડ્યા હતાં. મોનિકા તેના દિકરાને લઇ પિયર રહેવા આવી ગઇ હતી.

મોનિકાએ થોડા સમય બાદ બ્રિજેશ યશવંતભાઇ પટેલ સાથે બીજા લગ્ન કર્યા હતાં. તેમાં ઓક્ટોબર ૨૦૧૮માં તેણીને એક દીકરી થઇ હતી. મોનિકાને બ્રિજેશ સાથે પણ ખટરાગ સર્જાયો હતો. જેથી દોઢેક વર્ષથી તે ફરી પિયર આવી માતા-પિતા સાથે રહેવા માંડી હતી. દરમિયાન ફેબ્રુઆરી ૨૦૨૬માં પાડોશી કેયુરની પત્ની અનમોલ મોદીએ જયેશભાઇને કોલ કર્યો હતો. તેણીએ કહ્યું કે, તમારી દીકરી મોનિકાને મારા પતિ કેયુર સાથે પ્રેમ સંબંધ છે, જાે કે તેણીએ આ અંગે કોઇ પુરાવા આપ્યા ન હતાં.

અનમોલનાં આ કોલ બાદ જયેશ પટેલ કેયુર મોદીને ભરીમાતા મંદિરે મળ્યા હતાં. કેયુરનાં મોટા પપ્પા ધનસુખ મોદીની હાજરીમાં જયેશ પટેલે કેયુરને મોનિકા સાથેનાં સંબંધ અંગે પૂછ્યું હતું. તેણે આવું કંઇ નથી એમ કહી વાત પુરી કરી હતી. પિતાએ મોનિકાને પણ આ મામલે પૂછ્યું તો તેણીએ આવું કંઇ નથી એમ કહ્યું હતું. આ વાતને અઠવાડિયું વિત્યા બાદ ૧૯મી તારીખે સવારે મોનિકાએ ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

મોનિકાનાં અંતિમ સંસ્કાર અને મરણોત્તર વિધિ પુરી થયા બાદ પત્ની કલા તથા દીકરી પિંકીએ જયેશભાઇને જણાવ્યું હતું કે, નાની દીકરી ચૈતાલીને પ્રસુતિ માટે હર્ષ હોસ્પિટલ દાખલ કરાઇ હતી ત્યારે ૧૩ ફેબ્રુઆરીએ મોનિકા જમવાનું આપવા ગઇ હતી. એ સમયે ત્યાં અનમોલ મોદી પણ હતી. અનમોલે એ સમયે મોનિકા સાથે ઝઘડો કર્યો અને પછી માર મારવા માંડ્યો હતો. મોનિકા જેમ તેમ કરી બચીને ત્યાંથી ભાગી હતી. તે પછી ૧૪મી તારીખે અનમોલ મોદીએ ફરી મોનિકાને કોલ કરી મળવા બોલાવી અને ઝઘડો કર્યો હતો. તેણીએ એવી ધમકી આપી હતી કે, તારી દીકરી ફિઓનાની કસ્ટડી તેના પિતાને અપાવી દઈશ, તારા પપ્પાને બધી વાત જણાવી દઇશ.

કાકી પિન્કીએ પૂછ્યું તો મોનિકાએ જણાવ્યું હતું કે, અનમોલ અને કેયુર વચ્ચેનાં પ્રોબ્લેમ મને પરેશાન કરે છે. મેં મારૂ બધું સોનું અને પૈસા કેયૂરને કેસ પૂરો કરવા આપ્યા છે, કેયુરે છૂટાછેડા લઈ મને તથા મારા છોકરા-છોકરીને સાથે રાખશે એમ કીધું છે. આ બધી વાત કેયુરની પત્નીને ખબર પડી જતાં કેયુરે મને દગો આપ્યો છે, હવે તે કહે છે કે તારે મરવું હોય મરી જા મારે શું ? અને મારી સાથે જે થયુ તે તું ભૂલી જા. હું હવે અનમોલ ને છોડવાનો નથી. આ વાત બાદ મોનિકાએ આપઘાત કરી લીધો હતો. આ તથ્ય બહાર આવતાં જયેશ પટેલે કેયુર સંજય મોદી અને તેની પત્ની અનમોલ સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો હતો.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution