૪ મહિનાનાં દીકરાને એસીડ પીવડાવી મારી નાંખ્યા બાદ જનેતાએ પણ આપઘાત કર્યો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
02, જુન 2026  |   2772

શહેરનાં સરથાણા વિસ્તારમાંથી એક અત્યંત આઘાતજનક અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. સરથાણાનાં યોગી ચોક પાસે આવેલી એવન હાઇટ્સમાં રહેતી એક ૨૯ વર્ષીય પરિણીતાએ પોતાના માત્ર ૪ મહિનાનાં માસૂમ દિકરાને એસિડ પીવડાવી હત્યા કર્યા બાદ પોતે પણ એસિડ ગટગટાવી આપઘાત કરી લેતાં ભારે ચકચાર મચી ગઇ હતી. ચાર વર્ષથી મગજની આંચકીથી પીડાતી પરિણીતાએ પ્રસુતિ બાદ માનસિક તબિયત લથડવાના કારણે આ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું પ્રાથમિક વિગતોમાં બહાર આવ્યું છે.

સરથાણા પોલીસ પાસે મળતી માહિતી અનુસાર યોગીચોક વિસ્તારમાં આવેલા એવન હાઇટ્સમાં મનિષ કોટડિયા તેમના પરિવાર સાથે રહે છે. મૂળ અમરેલી જિલ્લાનાં ધારી તાલુકાનાં વતની મનિષે દોઢેક વર્ષ અગાઉ ૨૯ વર્ષીય ધારા સાથે લગ્ન કર્યા હતાં. લગ્ન અગાઉથી ધારા મગજની આંચકીની બીમારીથી પિડાતી હતી. જાે કે, રોજબરોજનાં જીવનમાં તેણીને કોઇ સમસ્યા ન હોવાથી મનીષે લગ્ન કર્યા હતાં. મનીષ સાથેના દાંપત્ય જીવનમાં ધારા ગર્ભવતી બની અને ચાર મહિના પહેલાં જ તેણે એક સ્વસ્થ દિકરાને જન્મ આપ્યો હતો.

પતિ-પત્ની દ્વારા તેમનાં પુત્રનું નામ રિશાન રાખવામાં આવ્યું હતું. ઘરમાં દિકરાનું આગમન થતાં ખુશીનો માહોલ હતો. જાે કે, પ્રસૂતિ બાદ ધારા પોસ્ટપાર્ટમ ડીપ્રેશનમાં આવી ગઇ હતી. આ અંગે તબીબોની સલાહ અનુસાર તેની સારવાર પણ શરૂ કરાઈ હતી. જાે કે, પ્રસૂતિ બાદ તેની તબિયત સતત લથડના માંડતાં પરિવાર પણ ચિંતામાં મૂકાયો હતો. હતો. માનસિક તણાવ એટલો વધી ગયો હતો કે છેલ્લા બે-ત્રણ દિવસથી ધારાએ જમવાનું પણ છોડી દીધું હતું અને તે ભારે ડીપ્રેશનમાં હોવાનું દેખાઈ આવતું હતું.

સોમવાર, પહેલી જુને સાંજનાં સમયે ધારા પોતાના ૪ મહિનાનાં માસૂમ દિકરા રિશાનને તેડીને સોસાયટીનાં ગ્રાઉન્ડ ફ્લોર પર ગઈ હતી. ત્યાં આવેલા શૌચાલયમાં જઈને તેણીએ માસૂમ રિશાનને એસીડ પીવડાવી દીધું હતું. ત્યારબાદ ધારાએ પોતે પણ એસિડ ગટગટાવી લીધું હતું. આ અંગે જાણ થતાં જ આસપાસનાં લોકો અને પરિવારજનો તાત્કાલિક દોડી આવ્યા હતા અને બંનેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ માસૂમ બાળક અને માતા બંનેનાં મોત નીપજ્યા હતાં.

માતા અને ૪ મહિનાનાં માસૂમ બાળકના એક સાથે મોતને પગલે પરિવારજનોનાં આક્રંદથી હોસ્પિટલ પરિસરમાં વાતાવરણ ગમગીન બની ગયું હતું. ઘટનાની જાણ થતાં જ સરથાણા પોલીસનો કાફલો ઘટના સ્થળે અને હોસ્પિટલ દોડી આવ્યો હતો. પોલીસે આ મામલે મનિષ કોટડિયાની ફરિયાદ લઇ ધારા કોટડિયા સામે દિકરાની હત્યા કરી પોતે આપઘાત કર્યાનોગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તકેદારી ન રખાતાં પ્રસૂતિ બાદનું ડિપ્રેશન ઘાતક સાબિત થાય છે

પ્રસૂતિ બાદનું ડિપ્રેશન એ બાળકના જન્મ પછી ઘણી માતાઓને થતી ગંભીર માનસિક સ્થિતિ છે. આ ‘બેબી બ્લૂઝ’ કરતાં અલગ અને લાંબા સમય સુધી રહે છે. ડિલિવરી પછી એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન નું લેવલ એકદમ ઘટી જવાના સંજાેગોમાં એવી સ્થિતિનું નિર્માણ થાય છે કે જેમાં પ્રસૂતા સતત ઉદાસી અનુભવે છે, તેનામાં ચીડિયાપણું આવી જાય છે. બાળક સાથે લાગણી બાંધી શકતી નથી. આવી સ્થિતિમાં પ્રસૂતા ખૂબ થાક અનુભવે, ઊંઘ ન આવવી અથવા ખૂબ ઊંઘ આવવી, એકાગ્રતા ન રહેવી, ર્નિણય ન લઈ શકવો, પોતાને નકામી કે ખરાબ મા સમજી પોતાને કે બાળકને નુકસાન પહોંચાડવાના વિચારોથી ઘેરાઈ જાય છે. પ્રસૂતા ગર્ભાવસ્થા પહેલાથી કોઇ ગંભીર બીમારીથી પિડાતી હોય, આ બીમારીને લઇ તે તાણ અને લાચારી અનુભવતી હોય ત્યારે પ્રસૂતિ બાદના ડિપ્રેશનની શક્યતા અને ગંભીરતા વધી જાય છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution