લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, મે 2026 |
1881
ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાંથી એક કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પૂનમ રેસિડેન્સીમાં રહેતા ૪૨ વર્ષીય યુવકે નોકરી ગુમાવ્યા બાદ આર્થિક અને માનસિક તણાવમાં આવી ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સામે આવતા વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મૃતક પંકજ સુરેન્દ્રભાઈ ભણસાલી મૂળ મુંબઈના બોરીવલીના રહેવાસી હતા અને હાલમાં ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં પરિવાર સાથે રહેતા હતા. તેઓ ઇન્ફોસિટી વિસ્તારમાં આવેલી એનએકસસી સ્ટોક માર્કેટ ઓફિસમાં કામ કરતા હતા. જાેકે છેલ્લા પાંચ મહિનાથી તેમની નોકરી છૂટી ગઈ હતી. આ દરમિયાન શેરબજારમાં મોટું નુકસાન અને દેવું થતાં તેઓ ભારે માનસિક દબાણ અનુભવી રહ્યા હતા.
પોલીસ સૂત્રો અનુસાર, ૧૩ મેના રોજ તેમની પત્ની અને દીકરી પિયર ગયા હતા. ત્યારબાદ ૨૨ મેના રોજ પતિ-પત્ની વચ્ચે છેલ્લી ફોન પર વાતચીત થઈ હતી. ત્યારથી પંકજભાઈનો ફોન સતત બંધ આવતો હતો. વારંવાર સંપર્ક કરવાનો પ્રયાસ છતાં કોઈ જવાબ ન મળતાં પરિવારજનોને શંકા ગઈ હતી. આખરે ૨૭ મેની રાત્રે પત્ની પોતાના ભાઈ સાથે ઘરે પહોંચ્યા ત્યારે ઘરના મુખ્ય દરવાજા બહાર એક ચેતવણીભરી ચિઠ્ઠી ચોંટાડેલી જાેવા મળી હતી. આ ચિઠ્ઠીમાં લખેલું હતું કે, “દીકરી અંદર ના આવતી, પાણી પીવું નહીં, ઘરમાં ઝેરી દવા છે, માસ્ક પહેરવું.”
આ શબ્દો વાંચીને પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા. ઘરમાં પ્રવેશતા જ પંકજભાઈ ફર્શ પર મૃત હાલતમાં મળી આવ્યા હતા. અંદાજે પાંચ દિવસ સુધી લાશ ઘરમાં જ પડી રહેતાં શરીર ફૂલી ગયું હતું અને ઝેરી વાયુઓના પ્રભાવને કારણે ચહેરો કાળો પડી ગયો હતો. ઘટનાસ્થળેથી ‘સેલફોસ’ નામની અત્યંત ઝેરી દવાની પડીકીઓ મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં પોલીસે અનુમાન વ્યક્ત કર્યું છે કે ઘટના ૨૨ મે આસપાસ બની હોઈ શકે છે. ઇન્ફોસિટી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ હવે આત્મહત્યાના ચોક્કસ કારણો અને મૃતકની આર્થિક સ્થિતિ અંગે વધુ માહિતી એકત્રિત કરી રહી છે.આ ઘટના ફરી એકવાર માનસિક તણાવ, બેરોજગારી અને આર્થિક દબાણ જેવા ગંભીર મુદ્દાઓ તરફ સમાજનું ધ્યાન દોરે છે.