દિલ્હી-

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત ભારતમાં બાળકોને ચીની ભાષા શીખવવામાં આવે કે નહીં તેને લઈ શિક્ષણ મંત્રાલયના અધિકારીઓનું વિઝન સ્પષ્ટ નથી. તેની અસર ત્યારે જાેવા મળી જ્યારે શિક્ષણ મંત્રાલયે, જે પહેલા માનવ સંસાધન વિકાસ મંત્રાલય તરીકે ઓળખાતું હતું તેણે મીડિયા સામે નવી શિક્ષણ નીતિનો ડ્રાફ્ટ રજૂ કર્યો. તેમાં બાળકોને ભણાવવામાં આવતી ભાષાઓમાં ચાઈનીઝ ભાષાનો ઉલ્લેખ હતો પરંતુ હવે શિક્ષણ મંત્રાલયની વેબસાઈટ પર જે અંતિમ રિપોર્ટ અપલોડ કરવામાં આવ્યો છે તેમાં ચીની ભાષાની ચર્ચા નથી.

શિક્ષણ મંત્રાલયના સૂત્રો દ્વારા મળતા અહેવાલ પ્રમાણે નવી શિક્ષણ નીતિનો અંતિમ રિપોર્ટ ગુરૂવારે શિક્ષણ મંત્રાલયની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવ્યો હતો. તેના પહેલા જ્યારે મીડિયાકર્મીઓને તે રિપોર્ટ આપવામાં આવેલો ત્યારે તેમાં સેકન્ડરી લેવલ પર બાળકોને ચાઈનીઝ ભાષા શીખવવાની વાતનો ઉલ્લેખ હતો. તે રિપોર્ટમાં લખવામાં આવ્યું હતું કે, 'ભારતીય ભાષાઓ અને અંગ્રેજીમાં ઉચ્ચ ગુણવત્તાવાળા કોર્સ સિવાય વિદેશી ભાષાઓ જેમ કે કોરિયન, ચીની, જાપાની, થાઈ, ફ્રેન્ચ, જર્મન, સ્પેનિશ, પોર્ટુગલી અને રૂસી પણ માધ્યમિક સ્તરથી વ્યાપક સ્તરે અધ્યયના હેતુસર ઉપલબ્ધ કરાવવામાં આવશે જેથી વિદ્યાર્થી વિશ્વ સંસ્કૃતિઓ અંગે જાણે તથા પોતાની રૂચિઓ અને આકાંક્ષાઓ પ્રમાણે પોતાના વૈશ્વિક જ્ઞાનને અને દુનિયાભરમાં હરવા-ફરવાને સહજતાથી વધારી શકે.'