27, નવેમ્બર 2024
594 |
ગાંધીનગર ભાજપ દ્વારા પક્ષના સંગઠનની નવ રચના માટેની કાર્યવાહી વેગવંતી બનાવી છે ત્યારે આજે મળેલી પક્ષની સંગઠન પર્વની બેઠકમાં નવી પ્રણાલિકા બનાવાઈ છે, જેના અંતર્ગત મંડળ પ્રમુખ માટે ૪૦ વર્ષની જ્યારે જિલ્લા અને શહેર પ્રમુખ માટે ૬૦ વર્ષની વય મર્યાદા નક્કી કરાઈ છે. એટલું જ નહીં, પ્રમુખ બનનારી વ્યક્તિ સતત બે વખતથી સક્રિય સભ્ય હોવાનો ક્રાઇટેરિયા રખાયો છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને નવા મંડળ, જિલ્લા અને શહેર પ્રમુખની રચના કરવામાં આવશે. ભાજપ દ્વારા વર્ષ ૨૦૨૪ નું સંગઠન પર્વ ચાલી રહ્યું છે. ત્યારે સંગઠન પર્વ અંતર્ગત પ્રારંભમાં પ્રથમ પ્રાથમિક સદસ્યતા અભિયાન યોજાયું હતું. રાજયમાંથી ૧ કરોડ ૧૯ સદસ્યો જાેડાયા હતા. ત્યાર બાદ ભાજપના બીજા તબક્કામાં સક્રિય સદસ્યતા અભિયાન યોજાયું હતું. જે આગામી તા. ૩૦ નવેમ્બર સુધીમાં ચાલશે. જ્યારે હવે ત્રીજા તબક્કામાં એટલે કે સંગઠન પર્વ શરૂ થયું છે. જેમાં ભાજપ હવે બૂથ સમિતિની પ્રક્રિયા હાથ ધરાશે. જેના ભાગ રૂપે આજે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી. આર. પાટિલના અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં શહેર-જિલ્લા પ્રમુખો, ધારાસભ્યો હાજર રહ્યા હતા. જાે કે, હાલ દિલ્હી ખાતે સંસદનું શિયાળુ સત્ર ચાલતું હોવાથી સાંસદો દિલ્હીથી વર્ચ્યુઅલ માધ્યમથી જાેડાયા હતા. ગુજરાત પ્રદેશ ભાજપની સંગઠન ૨૦૨૪ કાર્યકર્તાઓની આજે કાર્યશાળા યોજાઇ હતી. આજની બેઠકમાં બૂથ સમિતિ ૩૦ નવેમ્બર સુધીમાં સમગ્ર ગઠન પૂર્ણ કરવા માટેની સૂચના અપાઈ હતી. તેમજ ૩૦ નવેમ્બર સુધીમાં પૂર્ણ થયા બાદ બીજા તબક્કાની કાર્યશાળા ચાલશે. ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન અને સક્રિય સદસ્ય અભિયાન બાદ હવે બૂથ સમિતિનું ગઠન કરવામાં આવી રહ્યું છે. બૂથ સમિતિના ગઠન બાદ ભાજપ દ્વારા ૫ ડિસેમ્બરથી ૧૫ ડિસેમ્બર સુધી મંડળ સંગઠનની રચના હાથ ધરાશે. જેમાં શહેરી વિસ્તારમાં અને ગ્રામ્ય વિસ્તારમાં મંડળ તરીકે ઓળખાય છે. જેમાં ૫૮૦ મંડળના મંડલ (તાલુકા) અધ્યક્ષ (પ્રમુખ)ની નિયુક્તિ કરાશે. ત્યાર બાદ એટલે કે, ૧૫ ડિસેમ્બરથી ૩૦ ડિસેમ્બર સુધી શહેર જિલ્લા અધ્યક્ષોની નિયુક્તિ કરાશે. મંડળ, શહેર જિલ્લા પ્રમુખોની નિયુક્તિ અંગે ભાજપ દ્વારા વય મર્યાદા નક્કી કરવામાં આવી છે. જેમાં ભાજપના મંડળ (તાલુકા) અને જિલ્લાના નવા પ્રમુખો માટે વય મર્યાદા નક્કી કરવામાં આવી છે. જેમાં મંડળ (તાલુકા) પ્રમુખ માટે મહત્તમ ૪૦ વર્ષ અને જિલ્લા પ્રમુખ માટે મહત્તમ ૬૦ વર્ષની વય મર્યાદા નક્કી કરવા આવી છે.