પોતાને ભુવા તરીકે ઓળખાવતા ઢોંગીને અમદાવાદ શહેર એલસીબી ઝોન-૭એ ઝડપ્યો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, એપ્રીલ 2026  |   2475

અમદાવાદ શહેરની એલસીબી ઝોન-૭ પોલીસે ભુવા તરીકેની ઓળખ આપી નિર્દોષ મહિલાઓને શિકાર બનાવતા ઢોંગીની ધરપકડ કરી છે. આધ્યાત્મિક શક્તિના બહાને છેતરપિંડી કરતા આ શખ્સ પાસેથી પોલીસે પોણા બે લાખના સોનાના દાગીના જપ્ત કર્યા છે. અમદાવાદ ઝોન-૭ એલસીબીની ટીમને મળેલી બાતમીના આધારે વોચ ગોઠવીને મુકેશનાથ નટવરનાથ ચૌહાણ (૨૭ વર્ષ, રહે. દહેગામ) નામના શખશને ઝડપી પાડ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે, આરોપી બનાસકાંઠાના પાલનપુર વેસ્ટ પોલીસ સ્ટેશનના ગુનામાં વોન્ટેડ હતો. રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી છેતરપિંડીની ઘટનામાં પણ તે નાસતો ફરતો હતો. અગાઉ તેની સામે અમદાવાદના વાસણા અને રામોલ પોલીસ સ્ટેશનમાં પણ ચોરીના ગુના નોંધાઈ ચૂક્યા છે.

ઠગ ભુવો મહિલાઓને ટાર્ગેટ કરતો હતો. રસ્તા પર એકલી જતી મહિલાઓને રોકીને વાતચીત શરૂ કરતો. પોતે આધ્યાત્મિક શક્તિ ધરાવે છે અને ભુવો છે તેવો ડોળ કરી મહિલાઓને વાતોમાં ભોળવતો. મહિલાઓને વિધિ કે ભક્તિના નામે ડર બતાવી તેમનો વિશ્વાસ જીતતો હતો. છેતરીને મહિલાઓ પાસેથી સોનાના દાગીના ઉતરાવી લેતો અને પળવારમાં ફરાર થઈ જતો. ધરપકડ બાદ પોલીસે આરોપી પાસેથી રૂ. ૧,૭૫,૦૦૦ની કિંમતની સોનાની કાન સેર સાથેની બે બુટ્ટીઓ રિકવર કરી છે. આ ધરપકડ સાથે પોલીસે પાલનપુર અને રાજકોટના બે વણઉકેલ્યા (અનડિટેક્ટ) ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે રસ્તા પર કોઈ અજાણ્યા વ્યક્તિની આવી વાતોમાં આવીને કિંમતી દાગીના કે રોકડ ગુમાવવી નહીં અને શંકાસ્પદ વ્યક્તિ જણાય તો તુરંત પોલીસનો સંપર્ક કરવો.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution