આગામી એક મહિનામાં અમદાવાદ પ્લેન ક્રેશનો રિપોર્ટ આવવાની શક્યતા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
08, મે 2026  |   3960

અમદાવાદ પ્લેન ક્રેશ મામલે મોટા સમાચાર આવ્યા છે. કેન્દ્રીય એવિયેશન મંત્રી રામ મોહન નાયડુએ પ્લેન ક્રેશ રિપોર્ટ અંગે માહિતી આપતા કહ્યું કે, પ્લેન ક્રેશની તપાસ અંતિમ તબક્કામાં છે. આગામી ૧ મહિનામાં અમદાવાદ પ્લેન ક્રેશનો રિપોર્ટ આવી શકે છે.

ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે એરક્રાફ્ટ લર્નિંગ એન્ડ ફાઈનાન્સ સમિટ ૨.૦નું આયોજન કરાયું છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી કે રામ મોહન નાયડુ ઉપસ્થિત રહ્યાં. આ પ્રસંગે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલયના મંત્રી રામ મોહન નાયડુએ અમદાવાદ પ્લેન ક્રેશના રિપોર્ટ વિશે માહિતી આપી હતી. તેઓએ વધુમાં કહ્યું કે, ઘણી બધી એજન્સીઓ અને હાલ તપાસ કરી રહ્યું છે. કેન્દ્ર સરકારથી પણ તમામ સહાય અત્યાર સુધી પૂરી પાડવામાં આવી છે. તપાસ હવે અંતિમ તબક્કામાં છે, તો એરોપ્લેન ક્રેશ થવાના કિસ્સામાં ભોગ બનનારા લોકો સાથે સંપર્ક ન થતો હોવા અંગે કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, જે સ્થિતિ છે તેનું મોનિટરિંગ કરી રહ્યા છે. વળતર મળે તેની તકેદારી રાખવામાં આવી રહી છે. યોગ્ય રીતે તેમાં તપાસ કરવામાં આવી રહી છે. આ પહેલા સિવિલ એવિયેશન મનિસ્ટર રામમોહન નાયડુએ માર્ચ મહિનામાં રાજ્યસભામાં જણાવ્યું હતું કે, એર ઈન્ડિયાની ફ્લાઈટ ૧૭૧ ક્રેશની તપાસ તેજ ગતિથી આગળ વધી રહી છે. તપાસ રિપોર્ટ એક વર્ષની અંદર આવી જશે. રાજ્યસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન મંત્રીએ આ જવાબ આપ્યો હતો.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution