લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
07, જુલાઈ 2026 |
1287
અમેરિકાના ૨૫૦મા સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન યોજાયેલી ભવ્ય આતશબાજી બાદ રાજધાની વોશિંગ્ટન ડીસીમાં હવાના પ્રદૂષણમાં ભારે વધારો નોંધાયો છે. આશરે ૪૦ મિનિટ સુધી ચાલેલા આતશબાજીના કાર્યક્રમમાં અંદાજે ૮.૫ લાખ ફટાકડા ફોડવામાં આવ્યા હતા. પરિણામે શહેરની હવાની ગુણવત્તા ઝડપથી ખરાબ થતાં તંત્રે ‘કોડ રેડ એર ક્વોલિટી એલર્ટ’ જાહેર કર્યું હતું અને લોકોને સાવચેતી રાખવા અપીલ કરી હતી.અહેવાલો મુજબ, આતશબાજી બાદ હવામાં ધુમાડો અને સૂક્ષ્મ પ્રદૂષક કણોનું પ્રમાણ એટલું વધી ગયું કે વોશિંગ્ટન ડીસી થોડા સમય માટે વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં સામેલ થયું હતું. આરોગ્ય અધિકારીઓએ ખાસ કરીને બાળકો, વૃદ્ધો, ગર્ભવતી મહિલાઓ અને શ્વાસ સંબંધિત બીમારી ધરાવતા લોકોને ઘરમાં રહેવા તથા જરૂર પડે ત્યારે માસ્કનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી.આ ભવ્ય કાર્યક્રમનું આયોજન અમેરિકાના સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે કરવામાં આવ્યું હતું. વિવિધ સ્થળોએ એકસાથે આતશબાજી યોજાઈ હતી અને આયોજકો દ્વારા ગિનીસ વર્લ્ડ રેકોર્ડ માટે પણ પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.