આકાશા એરના કર્મચારીઓએ જ ૨.૫૮ કરોડના સોનાની લૂંટનું કાવતરું રચ્યું હતું
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
21, મે 2026  |   1881

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ટાઇટન કંપનીનું કરોડોનું સોનું ચોરી થવાની ઘટનામાં એરપોર્ટ પોલીસે સનસનાટીભર્યો ખુલાસો કર્યો છે. આકાશા એરલાઈન્સના જ કર્મચારીઓએ અન્ય સાગરીતો સાથે મળીને આ આખી લૂંટનું કાવતરું ઘડ્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે આ કેસમાં એરલાઇન્સના સ્ટાફ અને સોનીઓ સહિત કુલ ૮ રીઢા આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી ૧.૭૨ કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં મોટી સફળતા મેળવી છે. ઘટનાની વિગતો એવી છે કે, ગત તા. ૧૭/૪/૨૦૨૬ના રોજ ટાઇટન કંપનીના ઓર્ડર મુજબ આર.બી.ઝેડ જ્વેલર્સ દ્વારા સોનાના દાગીનાનું પાર્સલ સિક્વલ લોજિસ્ટિક કંપનીને આપવામાં આવ્યું હતું. આ પાર્સલનું વજન ૧૩ કિલો હતું, જેમાં ૨.૧૦૭ કિલોગ્રામ સોનું હતું જેની કિંમત રૂ. ૨,૫૮,૧૦,૭૬૪ થવા જતી હતી. તા. ૧૮/૦૪/૨૦૨૬ના રોજ આ પાર્સલ આકાશા એર દ્વારા અમદાવાદથી બેંગ્લોર મોકલવાનું હતું, પરંતુ તે ગંતવ્ય સ્થાને પહોંચ્યું જ નહોતું અને કંપની સાથે વિશ્વાસઘાત થયો હતો.અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને સંયુક્ત પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ એરપોર્ટ પીઆઈ અને તેમની ટીમે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી હતી. સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સોર્સના આધારે પોલીસે લૂંટની આખી ‘મોડસ ઓપરેન્ડી’નો પર્દાફાશ કર્યો હતો.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution