કિરણ હોસ્પિટલમાં પ્રસૂતિ બાદ નવજાત શિશુનાં મોત અંગે તબીબી બેદરકારીનો આક્ષેપ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
25, માર્ચ 2026  |   સુરત   |   4257

કતારગામમાં આવેલી કિરણ હોસ્પિટલમાં ગતરોજ સિઝેરિયન પ્રસુતિ બાદ નવજાત શિશુનાં મોતથી માહોલ ગરમાયો હતો.પરિવારજનો દ્વારા કલાકો સુધી કોઈ પણ પ્રકારની સારવાર નહીં આપી હોવાના અને ડોક્ટરની બેદરકારી તેમજ ભૂલને કારણે નવજાતનું મોત થયું હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા.

કતારગામ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વેડ રોડ ખાતે આવેલ શિવછાય સોસાયટી,પ્રમુખદર્શન એપાર્ટમેન્ટ ખાતે રહેતા મિતલબેનને ગઈ કાલે બપોરે પસૂતિનો દુખાવો ઉપડતા કિરણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા,જ્યાં સાંજે સીઝર ડિલિવરી થયા બાદ તેમના નવજાત શિશુને ડો.રુત શાહ દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ પોલીસ દ્વારા નવજાતનાં મૃતદેહને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું.દરમ્યાન આજે સવારે પોસ્ટમોર્ટમ રૂમની બહાર હાજર પિતા રાહુલભાઈએ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે ગઈ કાલે સવારે ૧૧ વાગ્યે તેઓ પત્ની મિતલબેન રૂટિન ચૅકઅપ કરાવવા માટે કિરણ હોસ્પિટલમા લઇ ગયા હતા.ત્યારે ડોક્ટર રુત શાહે ડિલિવરીનું ટાઈમ નજીક આવી ગયું છે તેથી એડમિટ થઇ જવા માટે સલાહ આપી હતી,

તેથી અમે તેજ સમયે એડમિટ કરી દીધા હતા.ત્યાર બાદ ૧૧ વાગ્યાથી લઈને સાંજના ૪ વાગ્યા સુધી ડોકટરો દવારા કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ આપવામાં નથી આવી હતી ફક્ત બેડ ઉપર બેસાડી રાખવામાં આવ્યું હતું,કોઈ રૂટિન ચેકઅપ પણ નહીં કરવામાં આવ્યું હતું અને પછી સાંજે ૬.૩૦ વાગ્યે ડોક્ટર આવીને કહેવા લાગ્યા હતા કે તાત્કાલિક ડિલિવરી કરાવી પડશે બાળકના ધબકારા નથી,ત્યાર બાદ ડોકટરોએ સીઝર કર્યું હતું અને અમારા હાથમાં મૃત બાળકને લાવીને સોંપી દીધું.આ સમગ્ર કેસમાં ડોક્ટર રુત શાહ અને તેમની બેદરકારી છે,

તેમની ભૂલને કારણે મારા બાળકનું અવસાન થયું છે.અમારી માંગ છે કે ડોક્ટરને સસ્પેન્ડ કરવામાં આવે જેથી ભવિષ્યમાં અન્ય કોઈ સાથે આવું બનાવ ન બને. વધુમાં જાણવા મળ્યું હતું કે રાહુલ કાચરીયા હીરા ઘસવાનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.આ તેમનું પ્રથમ બાળક હતું. હાલમાં નવજાત શિશુના મુતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે અને મોતનું સાચું કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. મૃતદેહનું પેનલમાં પોસ્ટ મોર્ટમ કરાવવામાં આવ્યું છે.આ બનાવ અંગે કતારગામ પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.જી. વાઘેલા તપાસ કરી રહ્યા છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution