અડાજણમાં માતા સાથે નાનાનાં ઘરે રહેતાં આઠ વર્ષનાં બાળકનું કાકાએ અપહરણ કર્યું
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
17, એપ્રીલ 2026  |   સુરત   |   1782

જાણીતા બિલ્ડર એવા કાકા સસરાને ઓફિસ ગર્લ સાથે અનૈતિક સંબંધ હોવાનું કહી બ્લેકમેલ કરવાના કેસમાં જેલવાસ ભોગવી ચૂકેલા જય ડાંગરનાં પૂત્રનું અપહરણ થયું હોવાનો બનાવ બન્યો હતો. જયની ખરાબ ચાલ ચલગતને કારણે પત્ની દિકરાને લઇ પિયર જતી રહી હોય તોનો ભાઇ જ માસૂમને ઉપાડી ગયાનું તપાસમાં બહાર આવ્યું છે.

અડાજણ પોલીસ પાસે મળતી માહિતી અનુસાર સૌરભ પોલીસ ચોકી પાસે આવેલા મણીભદ્ર વ્યુ એપાર્ટમેન્મટમાં પારૂલ જય ડાંગર તેના આઠ વર્ષનાં દિકરા યક્ષ સાથે રહે છે. જુનાગઢની માણાવદર તાલુકાની વતની પારૂલનાં લગ્ન વર્ષ ૨૦૧૪માં જય કરશનભાઇ ડાંગર સાથે થયા હતાં. ચાર વર્ષનાં દાંપત્ય જીવન બાદ ૨૦૧૮માં તેમને દિકરા યશનો જન્મ થયો હતો. જે હાલ બીજા ધોરણમાં અભ્યાસ કરે છે.

છેલ્લા એકાદ વર્ષથી જય ડાંગરની ચાલ ચલગત બદલાઇ ગઇ હતી. તે પત્ની પારૂલનાં કુટુંબ વિશે એલફેલ બોલી ઝઘડો કરવા માંડ્યો હતો. ખરાબ વાણી અને વર્તનથી કંટાળેલી પારૂલ પૂત્રને લઇ જયથી અલગ પિયરમાં રહેવા માંડી હતી. ગત ૧૫મી એપ્રિલે સાંજે યશ એપાર્ટમેન્ટનાં ગાર્ડનમાં દાદી શાંતુબેનની દેખરેખ હેઠળ રમી રહ્યો હતો. દરમિયાન એક કાર એપાર્ટમેન્ટમાં આવી અને તેમાંથી ઉતરેલો યુવક યક્ષને પોતાની સાથે લઇ જતો રહ્યો હતો. આસપાસ તપાસ કરવા છતાં યક્ષ નહીં મળતાં પારૂલ તેના પિતા સાથે પોલીસ સ્ટેશન પહોંચી હતી.

અપહરણની ફરિયાદ મળતાં પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. જ્યાં યક્ષને લઇ જનાર યુવક તથા ગાડીની ઓળખ કરવા માટે આસપાસના સીસી કેમેરા ચેક કરાયા હતાં. જેમાં યક્ષને લઇ જનાર તેના કાકા હોવાનું જણાય આવ્યું હતું. તપાસ દરમિયાન યક્ષને જુનાગઢ લઇ જવાયો હોવાનું પણ જાણવા મળતાં પોલીસે એ દિશામાં તપાસ આરંભી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જય ડાંગર સામે ગત નવેમ્બર મહિનામાં કાકા સસરા વરજાંગ રાણાને બ્લેકમેલ કરી ખંડણી માંગવા અંગે ગુનો નોંધાયો હતો. બિલ્ડર વરજાંગ દિવાળીના દિવસોમાં કર્મચારી સાથે ઓફિસમાં હતા ત્યારે જય ડાંગર તેમના મિત્રો સાથે ધસી ગયો હતો. કાકા સસરા વરજાંગ જીલરીયા સાથે જય ડાંગરે ગાળ ગલોચ કરવા માંડી હતી. જય અને તેના મિત્રોએ રાણા તથા યુવતીને ઢીક મુક્કીનો માર પણ માર્યો હતો. જય ડાંગરે યુવતીને ડરાવી ધમકાવી રાણા સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી કેસમાં ફસાવી દેવા કહ્યું હતું. બાદમાં સમાધાન પેટે ૧૦ કરોડ રૂપિયાની માંગણી પણ કરી હતી. યુવતીએ આપેલી ફરિયાદનાં આધારે પોલીસે ગુનો નોંધી જય ડાંગરની ધરપકડ પણ કરી હતી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution