ગુજરાતમાં ૪ સેમિકન્ડક્ટર કંપની દ્વારા અંદાજિત રૂ. ૧.૨૪ લાખ કરોડનું રોકાણ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
07, નવેમ્બર 2024  |   3267

ગાંધીનગર, ટેકનોલોજીના યુગમાં સેમિકન્ડક્ટર્સની માંગને પહોંચી વળવા દેશમાં સેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે. ત્યારે ગુજરાતમાં માઈક્રોન, ટાટા ઈલેક્ટ્રોનિક્સ, સીજી પાવર - રેનેસાસ તથા કેયન્સ સેમિકોન જેવી ચાર કંપનીઓ દ્વારા સેમિકન્ડક્ટર્સ ચિપનું નિર્માણ કરવામાં આવશે. ભારતમાં સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ફેબ્રિકેશન ઇકોસિસ્ટમના વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂ. ૭૬,૦૦૦ કરોડનું જંગી બજેટ ફાળવ્યું છે. ત્યારે ગુજરાતમાં ઉક્ત ચાર સેમિકન્ડક્ટર કંપનીઓ દ્વારા અંદાજે કુલ રૂ. ૧.૨૪ લાખ કરોડનું રોકાણ કરાયું છે. ત્યારે આ પ્રોજેક્ટ્‌સ થકી રાજ્યમાં ૫૩,૦૦૦ થી વધુ નવી રોજગારી ઊભી થશે તેવો દાવો ગુજરાત સરકારના સાયન્સ અને ટેકનોલોજી વિભાગ દ્વારા કરાયો છે. પ્રવર્તમાન ડિજિટલ યુગમાં સેમિકન્ડક્ટર્સ અને ડિસ્પ્લે એ આધુનિક ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોની પાયાની જરૂરિયાત છે. સ્માર્ટફોન, કોમ્પ્યુટર, ઉપગ્રહો, ક્લાઉડ સર્વિસીસ, ઈલેક્ટ્રિક વ્હિકલ, ઔદ્યોગિક ઓટોમેશન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-એઆઇ તથા જટિલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને ડિફેન્સ સિસ્ટમ જેવા દરેક ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે સેમિકન્ડક્ટર્સ ટેકનોલોજીની જરૂરિયાત ઉભી થાય છે. આ સેમિકન્ડક્ટર્સની જરૂરિયાતને પહોંચી વળવા, સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ફેબ્રિકેશન ઇકોસિસ્ટમનું નિર્માણ કરીને ભારતને સેમિકન્ડક્ટર ક્ષેત્રે વધુ આર્ત્મનિભર બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૨૧માં “ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન”ને મંજૂરી આપી હતી. આ મિશન અંતર્ગત ભારત સરકાર દ્વારા રૂ. ૭૬,૦૦૦ કરોડનું જંગી બજેટ ફાળવાયું છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે દેશમાં સૌપ્રથમ ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી-વર્ષ ૨૦૨૨થી ૨૦૨૭ લોન્ચ કરી છે. આ પોલિસીના સરળ અમલીકરણ માટે “ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રોનિક્સ મિશન”ની સ્થાપના કરીને ગુજરાતે સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં આર્ત્મનિભરતાને વધુ પ્રોત્સાહન આપવા તરફ હરણફાળ ભરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અગાઉ સાણંદ ખાતે રૂ. ૨૨,૫૦૦ કરોડથી વધુની કિંમતના માઈક્રોન કંપનીના સેમિકંડક્ટર એટીએમપી પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરાયું હતું. તેવી જ રીતે, ધોલેરા સેમિકોન સિટી ખાતે રૂ. ૯૧,૦૦૦ કરોડથી વધુના ખર્ચે ભારતના પ્રથમ કોમર્શિયલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-એનેબલ્ડ સેમિકન્ડક્ટર ફેબનું નિર્માણ ટાટા ઇલેક્ટ્રોનિક્સ પ્રાઈવેટ લિમિટેડ (ટીઇપીએલ) અને ટાઈવાનની કંપની પીએસએમસી દ્વારા કરાશે. સાણંદ જી.આઈ.ડી.સીમાં કુલ રૂ. ૭,૫૦૦ કરોડથી વધુના પ્રોજેક્ટ ખર્ચ સાથે સીજી પાવર અને રેનેસાસ કંપની દ્વારા સેમિકન્ડક્ટર ઓએસએટી ફેસિલિટીની સ્થાપના કરાશે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા સાણંદમાં કેયન્સ સેમિકોનના પ્લાન્ટને પણ સ્થાપના માટે મંજૂરી અપાઈ છે, આ પ્લાન્ટ દ્વારા રૂ. ૩,૩૦૦ કરોડના રોકાણ સાથે અંદાજે ૬૦ લાખ ચિપનું પ્રતિદિન ઉત્પાદન કરાશે. ગુજરાતમાં સેમિકન્ડક્ટર એકમો દ્વારા કરાયેલા રોકાણના ફળસ્વરૂપે રાજ્યમાં રોજગારીઓનું સર્જન થશે. આ એકમોનું નિર્માણ નોંધપાત્ર રીતે ભારતને સેમિકન્ડક્ટર ચિપની આયાત પરની ર્નિભરતા ઘટાડવામાં મદદરૂપ બનશે. સેમિકન્ડક્ટર પોલિસી લોન્ચ કરીને ગુજરાત ભારતીય સેમિકંડક્ટર ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા બાબતે અગ્રેસર રાજ્ય બન્યું છે. સેમિકન્ડક્ટર ઉદ્યોગોને મૂડી ખર્ચ તેમજ સ્થાનિક સ્તરે મેન્યુફેક્ચરિંગ બેઝ સ્થાપિત કરવામાં ગુજરાત સરકાર સતત સહાયરૂપ બની રહી છે. ભારત સરકાર દ્વારા આવા એકમોને પૂરી પડાતી મૂડી ખર્ચ સહાય ઉપર રાજ્ય સરકાર દ્વારા આ સહાયના ૪૦ ટકા વધારાની નાણાકીય સહાય અપાય છે. ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી હેઠળ સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફીનું એક વખતનું ૧૦૦ ટકા વળતર અપાશે. સાથે વીજ પુરવઠામાં પણ રૂ. ૨ પ્રતિ યુનિટની સબસિડી, રૂ. ૧૨ પ્રતિ ઘન મીટરના દરે પાણીની સુવિધા તેમજ વીજળી ડ્યુટીમાંથી મુક્તિ જેવાં વિવિધ પ્રોત્સાહનો પણ અપાય છે. આ ઉપરાંત ગુજરાતના ધોલેરાને “સેમિકોન સિટી” તરીકે વિકસાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ફેબ પ્રોજેક્ટ માટે જમીનની ખરીદી પર ૭૫ ટકા સુધીની સબસિડીનો સમાવેશ થાય છે. સેમિકન્ડક્ટર પોલિસી અંતર્ગત ગુજરાત સરકારે સેમિકન્ડક્ટર કંપનીઓ માટે સાનુકૂળ ઇકો-સિસ્ટમનું નિર્માણ કર્યું છે. જેના પરિણામે આજે ગુજરાત સેમિકન્ડક્ટર કંપનીઓ માટે પ્રથમ પસંદગીનું રાજ્ય બન્યું છે. જેના ફળસ્વરૂપે ગુજરાતમાં ૪ સેમિકન્ડક્ટર કંપની દ્વારા કુલ રૂ. ૧.૨૪ લાખ કરોડના રોકાણ સાથે નવા પ્રોજેક્ટસ બનવા જઈ રહ્યા છે, આ પ્રોજેક્ટ થકી રાજ્યમાં નવી સંભવિત ૫૩,૦૦૦ જેટલી રોજગારીનું સર્જન થશે, એમ ગુજરાત સરકારના સાયન્સ અને ટેકનોલોજી વિભાગ દ્વારા દાવો કરાયો છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution