વડોદરા, તા.૧૩

વડોદરાના જાણીતા તબીબ ડો. દર્શન બેન્કર્સની વડોદરાની હોસ્પિટલો તેમજ નિવાસસ્થાન સહિત પાંચ જેટલા સ્થળોએ આવકવેરા વિભાગે હાથ ધરેલી તપાસમાં રૂા.૧.૯૦ કરોડની જ્વેલરી અને હોસ્પિટલના કર્મચારીના લોકરમાંથી રૂા.ર.૧પ કરોડની કેશ મળી આવી હોવાનું જાણવા મળે છે. જ્યારે આવકવેરા વિભાગે કબજે કરેલા દસ્તાવેજાેની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

આવકવેરા વિભાગે જાણીતા તબીબની બેન્કર્સની હાર્ટ ઈન્સ્ટિટયૂટ તેમજ તેમની મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ સહિત પાંચ સ્થળે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. લગભગ ચાર દિવસ સુધી આવકવેરા વિભાગના પ૦ જેટલા અધિકારીઓએ હાથ ધરેલા સર્ચ ઓપરેશન દરમિયાન કેટલાક જમીનો સહિતના દસ્તાવેજાે જપ્ત કર્યા હોવાનું તેમજ વાંધાજનક દસ્તાવેજાે પણ મળી આવ્યા હોવાનું જાણવા મળે છે. આવકવેરા વિભાગની તપાસ દરમિયાન કેટલાક લોકર્સ પણ સીલ કરવામાં આવ્યા હતા. જ્યારે તપાસમાં બેન્કર્સના નિવાસસ્થાનેથી રૂા.૧.૯૦ કરોડની જ્વેલરી તેમજ હોસ્પિટલના કર્મચારીના લોકર્સમાંથી રૂા.ર.૧પ કરોડની રોકડ મળી આવી હોવાનું જાણવા મળે છે.