20, ઓગ્સ્ટ 2025
4257 |
અમદાવાદ, ગુજરાત હાઇકોર્ટે રાજ્યની આંગણવાડી બહેનો માટે મહત્વનો હુકમ કર્યો છે કે આંગણવાડી વર્કર્સને ૨૪, ૮૦૦ અને આંગણ વાડી હેલ્થ વર્કર્સને ૨૦, ૩૦૦ વેતન ચૂકવવામાં આવે. ઉપરાંત ૧ એપ્રિલ, ૨૦૨૫ થી શરૂ થતા નાણાકીય વર્ષથી એરિયર્સ સાથે ચૂકવણી કરવામાં આવે. ૦૬ મહિનામાં સરકારે આ ચૂકવણી કરવાની રહેશે. કેન્દ્ર અને રાજ્યના સંકલનમાં અથવા રાજ્ય સરકારે એકલા જ આ ચૂકવણી કરવાની રહેશે. હાઇકોર્ટમાં સિંગલ જજે વર્ષ ૨૦૨૪ માં કરેલા હુકમ સામે સરકાર અપીલમાં ગઈ હતી. અપીલ પર ચુકાદો આપતાં કોર્ટે આંગણવાડી વર્કર્સને મોટી રાહત આપી છે. હાઇકોર્ટમાં ડબલ જજની બેંચે અપીલકર્તાઓ - કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિભાગો, સંયુક્ત રીતે અથવા ફક્ત રાજ્ય સરકાર, આંગણવાડી કામદારો- ને ૧૦ હજાર રૂપિયા ઉપરાંત ન્યૂનતમ માસિક મજૂરી ૧૪,૮૦૦ રૂપિયા આમ કુલ ૨૪,૮૦૦ રૂપિયા અને આંગણવાડી સહાયિકાઓ- પણ ન્યૂનતમ મજૂરી ૧૪,૮૦૦ રૂપિયા વત્તા ૫૫૦૦ રૂપિયા એમ કુલ ૨૦,૩૦૦ રૂપિયા ચૂકવવા હુકમ કરતા સરકારની અપીલ નકારી છે. ઉપરોક્ત મજૂરી, કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા જ્યારે જાહેર કરવામાં આવશે. ત્યારે આગળની તદનુરૂપ સુધારણાઓને આધીન રહેશે.આંગણવાડી કામદારો અને સહાયિકાઓને સંકલિત બાળ વિકાસ સેવા યોજના- અમલીકરણ અને ચલાવવા માટે ચોક્કસ નાણાકીય વર્ષના ફાળવેલા બજેટની નિધિમાંથી ચૂકવવામાં આવે છે, અને નિધિ આંગણવાડી કામદારો અને સહાયિકાઓની સંખ્યા જાેઈને તૈયાર કરવામાં આવે છે, રિટ પીટિશન દાખલ કરવાના પાછલા ત્રણ વર્ષથી ઉપરોક્ત મજૂરી આપવાના સિંગલ જજ દ્વારા આપવામાં આવેલ નિર્દેશ પાછળથી નાણાકીય બોજમાં નોંધપાત્ર વધારો કરશે. ડબલ જજની બેંચે નિર્દેશ આપ્યા હતા કે આંગણવાડી કામદારો અને સહાયિકાઓને ચાલુ નાણાકીય વર્ષથી અદાલત દ્વારા નક્કી કરેલ મજૂરીના બાકી રકમની ચુકવણી કરવા નિર્દેશ આપવામાં આવશે. આ રકમ ૦૬ મહિનામાં ચૂકવવાની રહેશે. વર્તમાન નિર્દેશો ગુજરાત રાજ્યના તમામ આંગણવાડી કેન્દ્રોમાં કાર્યરત તમામ આંગણવાડી કામદારો અને સહાયિકાઓને લાગુ થશે.