અમદાવાદના બલોલનગર બ્રિજ ઉપર ફરી એકવાર જીવલેણ અકસ્માત : આધેડનું મોત
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
15, મે 2026  |   3564

અમદાવાદ શહેરના બલોલનગર બ્રિજ પર ફરી એકવાર જીવલેણ અકસ્માત સર્જાતા સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે. મોડી રાત્રે બનેલી કરુણ ઘટનામાં ૫૨ વર્ષીય આધેડ બ્રિજ પરથી નીચે પટકાતા ઘટનાસ્થળે જ મોતને ભેટ્યા હતા. છેલ્લા ૧૦ દિવસમાં આ જ સ્થળે બનેલી આ બીજી સમાન દુર્ઘટના હોવાથી સ્થાનિકોમાં ભારે ભય અને રોષની લાગણી વ્યાપી ગઈ છે. મળતી માહિતી મુજબ, સુંદરવન વિસ્તારમાં રહેતા અતુલભાઈ પંચાલ મોડી રાત્રે સ્પોર્ટ્સ બાઈક લઈને નીકળ્યા હતા. બલોલનગર બ્રિજ પરથી પસાર થતી વખતે જાેખમી વળાંક પાસે અચાનક બાઈક પરનો કાબૂ ગુમાવતા સીધા બ્રિજ પરથી નીચે પટકાયા હતા. નીચે રહેલા પથ્થરો માથાના ભાગે વાગતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. વધુ પડતા રક્તસ્ત્રાવને કારણે તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

ઘટનાની જાણ થતાં જ એલ-ટ્રાફિક ડિવિઝનની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પ્રાથમિક તપાસમાં અકસ્માત સમયે બાઈકની સ્પીડ અંદાજે ૬૦ કિમી પ્રતિ કલાક હોવાનું સામે આવ્યું છે. રાત્રિના અંધકાર અને બ્રિજના જાેખમી વળાંકને કારણે અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હોવાની માહિતી મળી છે. આ દુર્ઘટનાએ ફરી એકવાર બલોલનગર બ્રિજની સુરક્ષા વ્યવસ્થા સામે પ્રશ્ન ઉભો કર્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે બ્રિજ પર પૂરતી સુરક્ષા જાળી અને મજબૂત બેરિકેડ્સનો અભાવ છે. તંત્ર દ્વારા માત્ર એક તરફ નાની જાળી લગાવીને કામગીરી પૂર્ણ થયાનો દેખાવ કરવામાં આવ્યો હોવાનો લોકોનો આરોપ છે. સ્થાનિકો અને વાહનચાલકોએ તંત્ર પાસે તાત્કાલિક ધોરણે સમગ્ર બ્રિજ પર મજબૂત રેલિંગ, સુરક્ષા જાળી અને ચેતવણીના બોર્ડ લગાવવાની માંગ કરી રહ્યા છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution