કિંમતી વસ્ત્રો ઉત્પાદન માટે જરૂરી વિસ્કોસ યાર્ન પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટીની ભલામણ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
23, માર્ચ 2026  |   સુરત   |   2277

ડાયરેક્ટર ઓફ જનરલ ઓફ ટ્રેડ રેમેડીએ એક જ સપ્તાહનાં સમયગાળામાં સુરતનાં વણાટ ઉદ્યોગકારોને ઉપરાછાપરી બે આંચકા આપ્યા છે. નાયલોન યાર્ન પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાગુ કરવાની ભલામણ બાદ આજે તા.૨૩મી માર્ચે ડીજીટીઆર દ્વારા કિંમતી વસ્ત્રો જેમાંથી ઉત્પાદિત થાય છે એ વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન (૭૫ ડેનિયર ઉપરમાં) પર પ્રતિ ટને ૩૮૫ અમેરિકન ડોલર (ભારતીય ચલણ અનુસાર રૂ. ૩૬,૦૦૭)થી લઇને ૧૦૭૧ અમેરિકન ડોલર (ભારતીય ચલણ અનુસાર રૂ.૧,૦૦,૦૬૬.૭૧) સુધીની એન્ટી ડમ્પિંગ ડ્યૂટી વસૂલ કરવા માટેની ભલામણ કરી છે. નાણાં મંત્રાલયે હવે આગામી ૯૦ દિવસમાં આ અંગે ર્નિણય લઇને નોટિફિકેશન જાહેર કરવું પડશે અન્યથા આ ભલામણનું અસ્તિત્વ ભૂંસાઇ જશે.

દેશમાં ગ્રે કાપડનાં સૌથી મોટા ઉત્પાદન હબ સુરતમાં વણાટ ઉદ્યોગકારોના માથે કાયમી આર્થિક બોજ ઉભો થાય તેવા એક પછી એક ર્નિણયો કેન્દ્ર સરકારની ડીજીટીઆર નામની સંસ્થા લઇ રહી છે. ડીજીટીઆર દિલ્હીની કચેરીએ આજે એવા યાર્નની આયાત પર ઇમ્પોર્ટ ડ્યૂટી લાગુ કરવાની ભલામણ કરી છે જે યાર્નમાંથી એથનિક વેયર, કિંમતી વસ્ત્રો, હાઇએન્ડ ફેશનના કપડા ઉત્પાદિત થાય છે. વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન કે જે વુડ પલ્પ (લાકડાનાં માવા)માંથી બને છે અને ભારતમાં વર્ષે દહાડે વિસ્કોસ ફિલામેન્ટ યાર્નની કુલ ડિમાંડ ૧ લાખ ટન જેટલી છે. ભારતમાં વિસ્કોસ ફિલામેન્ટ યાર્નનું ઉત્પાદન વાર્ષિક ૫૦ હજાર ટન જેટલું થાય છે, બાકીની ૫૦ હજાર ટન વિસ્કોસ ફિલામેન્ટ યાર્નની ડીમાન્ડ ચીનથી થતી આયાતમાં પૂરી થાય છે.

જાણકારોનું કહેવું છે કે વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન સૌથી મોંઘુ યાર્ન છે અને સુરતનાં વીવિંગ કારખાનેદારો દેશમાં સૌથી વધુ પ્રમાણમાં આ યાર્નનો ઉપયોગ કરીને કાપડનું ઉત્પાદન કરે છે. ભારતમાંથી જેટલી પણ ગારમેન્ટની નિકાસ થાય છે એ ગારમેન્ટ પણ મોટા ભાગે વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન હાઇ ડેનિયરમાંથી જ ઉત્પાદિત થાય છે. સુરતમાં ૧૫ હજાર જેટલા એરજેટ લૂમ્સ તેમજ શટલ લૂમ્સ પર આ યાર્નની મદદથી જુદા જુદા પ્રકારના ગ્રે કાપડ કે ફિનિશ્ડ ફેબ્રિકનું ઉત્પાદન થાય છે.

વિસ્કોસ ફિલામેન્ટ યાર્નના સ્થાનિક ઉત્પાદકોએ આયાતી યાર્નને કારણે તેમના ધંધાને નુકસાની થઇ રહી હોવાની ફરિયાદ કરીને વિસ્કોસ ફિલામેન્ટ યાર્નની આયાત પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાગુ કરવાની ભલામણ કરી હતી. આ પીટીશન અન્વયે તપાસ હાથ ધરીને ડીજીટીઆરએ આજે તેના પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાગુ કરવા માટે ભલામણ કરી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution