બંધારણમાં ‘બિનસાંપ્રદાયિક’ અને ‘સમાજવાદી’ શબ્દો યથાર્થ?
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
18, ડિસેમ્બર 2024  |   જયેશ શાહ   |   82665

ભારતના બંધારણના આમુખમાંથી ‘સમાજવાદી’ અને ‘બિનસાંપ્રદાયિક(ધર્મનિરપેક્ષ)’ શબ્દો હટાવવાની માંગણીને તાજેતરમાં સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ શ્રી સંજીવ ખન્ના અને જસ્ટિસ શ્રી સંજયકુમારની ખંડપીઠે ફગાવી દીધી છે. ૧૯૭૬માં તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની સરકાર દ્વારા કટોકટીકાળ દરમિયાન બંધારણમાં કરવામાં આવેલ ૪૨મા સુધારા દ્વારા ‘સમાજવાદી’ અને ‘બિનસાંપ્રદાયિક(ધર્મનિરપેક્ષ)’ શબ્દો ઉમેરવામાં આવ્યા હતા. આ સમગ્ર સુધારાને રદ કરવાની માંગ સાથે થયેલી ઢગલાબંધ અરજીઓનો સર્વોચ્ચ અદાલતે નિકાલ કરી દીધો હતો. નિકાલ કરતી વખતે સ્પષ્ટતા કરી છે કે બિનસાંપ્રદાયિકતા(ધર્મનિરપેક્ષતા) ભારતીય બંધારણના ઢાંચાનો જ હિસ્સો જ છે અને એમાં કોઈપણ પ્રકારનો ફેરફાર સર્વોચ્ચ અદાલત દ્વારા કરવામાં આવશે નહીં. સર્વોચ્ચ અદાલતે એમ પણ કહ્યું કે બંધારણની સાથે તેના આમુખમાં સુધારો કરવાનો સંસદને અધિકાર છે. જ્યાં સુધી મૂળ ઢાંચાને અસર નથી થતી ત્યાં સુધી તેને પડકારી ન શકાય.

સર્વોચ્ચ અદાલતે અગાઉ આપેલા ચુકાદાઓનો સંદર્ભ ટાંકીને કહ્યું કે બિનસાંપ્રદાયિકતા ભારતના મૂળ ઢાંચાનો હિસ્સો છે અને બિનસાંપ્રદાયિકતા દેશના નાગરિકો સાથે કોઇ પણ પ્રકારના ભેદભાવને રોકવા માટેની દેશની કટિબદ્ધતા દર્શાવે છે.

સર્વોચ્ચ અદાલતના ચુકાદા પછી સમગ્ર દેશમાં ચર્ચા છેડાઈ ગઈ છે કે ભારતના બંધારણના આમુખમાં ‘સમાજવાદી’ અને ‘બિનસાંપ્રદાયિક(ધર્મનિરપેક્ષ)’ શબ્દો ભારતની વિવિધતા જાેતાં તેની અનિવાર્યતા છે કે નહીં? કારણ કે આ શબ્દોની ગેરહાજરીમાં પણ ભારતનું બંધારણ સમાજવાદી અને બિનસાંપ્રદાયિક જ હતું અને રહ્યું છે. જાે કે આ બે શબ્દો અંગેનો વિવાદ નવો નથી. બંધારણ સભામાં પ્રો. કે.ટી. શાહે આ બંને શબ્દો બંધારણમાં ઉમેરવા દરખાસ્ત કરી હતી. પરંતુ ડૉ. આંબેડકરે જવાબ આપ્યો હતો કે બંધારણમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સમાજવાદનું પ્રતિબિંબ છે અને ધાર્મિક સ્વતંત્રતા અંગેની જાેગવાઈઓ બિનસાંપ્રદાયિકતા એટલે કે ધર્મનિરપેક્ષતાને લગતી જ છે. ડૉ. આંબેડકરના આ જવાબથી પ્રો. કે.ટી. શાહ અને અન્ય સભ્યોને સંતોષ થયો હતો અને આ બે શબ્દો ઉમેરવા કોઈ આગ્રહ રખાયો નહતો.

બંધારણના આમુખમાં ‘આર્થિક ન્યાય’નો સમાવેશ કરાયો છે. તેની સાથે આમુખમાં ‘લોકશાહી’ શબ્દ પણ સામેલ છે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો- ખાસ કરીને અનુચ્છેદ ૩૯(બી) અને ૩૯(સી)માં ગાંધીજીના શબ્દોમાં છેવાડાના માનવીના કલ્યાણની વાત કરવામાં આવી છે અને લોકોનું ખાસ કરીને નબળા વર્ગના લોકોનું શોષણ ન થાય તે માટે રાજ્યની કેટલીક ફરજાે સૂચવવામાં આવી છે. આ સમાજવાદ જ છે. બંધારણમાં સમાજવાદ ગર્ભિત છે. તેનો ઉમેરો ભલે ૧૯૭૬માં બંધારણીય સુધારાથી આમેજ કરાયો તો પણ તે અગાઉ બંધારણના આમુખ અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં આ શબ્દ જીવંત છે.

‘બિનસાંપ્રદાયિક (ધર્મનિરપેક્ષ)’ શબ્દ પણ પ્રારંભથી જ અનેક વિવાદોમાં કેન્દ્રસ્થાને રહેલો છે. તેનો સાદોસીધો અર્થ એ થાય છે કે રાજ્યે પોતાનો કોઈ ધર્મ સ્વીકારેલો નથી. તે કોઈ ધર્મની તરફેણ કરી શકે નહીં કે કોઈ ધર્મની ઉન્નતિ માટે કર લાદી શકે નહીં. રાજ્યે જેમ વિદેશનીતિ, મહિલાનીતિ, બાળનીતિ, ખેલકૂદનીતિ, શિક્ષણનીતિ સ્વીકારેલી છે તેમ રાજ્ય ધર્મ પણ સ્વીકારી શકે. પરંતુ બંધારણ ઘડતર સમયે ભારત-પાકિસ્તાન સરહદો કાપાકાપીથી સળગી રહી હતી. આ કારણે બંધારણ સભામાં પણ ધર્મનિરપેક્ષ નીતિ ન સ્વીકારવા કેટલાક સભ્યોએ રજૂઆત કરી હતી. જવાહરલાલ નેહરુ, કનૈયાલાલ મુનશી, રાજકુમારી અમૃતકૌર વગેરેની સમજાવટથી ભારત ધર્મનિરપેક્ષ રાજ્ય તરીકે જાહેર કરાયું. નેહરુએ સમજાવ્યું હતું કે બંધારણના આમુખમાં દરેકને માન્યતા, શ્રદ્ધા અને ઉપાસનાના સ્વાતંત્રની બાંહેધરી આપવામાં આવી છે. ઉપરાંત અનુચ્છેદ ૧૪ હેઠળ દરેક વ્યક્તિને કાયદા સમક્ષ સમાન અને કાયદાના સમાન રક્ષણની ખાતરી અપાઈ છે.

‘બિનસાંપ્રદાયિક’ કે ‘ધર્મનિરપેક્ષ’ શબ્દ ભારત માટે કેટલે અંશે યોગ્ય કહી શકાય? બંધારણના નિર્માતાઓએ સમજીને જ આ શબ્દનો બંધારણમાં ઉપયોગ કર્યો નથી. જે દેશમાં સેંકડો ધર્મ અને હજારો સંપ્રદાય હોય એ દેશ “બિનસાંપ્રદાયિક” કે “ધર્મનિરપેક્ષ” કેવી રીતે હોઈ શકે? ભારત દેશની વાત કરીએ તો આ દેશમાં ધર્મસત્તા અને રાજ્યસત્તા એકબીજાના પૂરક બની રહ્યા છે. ધર્મ વગર રાજ્યસત્તા અધૂરી છે તો રાજ્ય વગર ધર્મસત્તા અધૂરી છે. ભારત દેશના બંધારણ માટે ‘બિનસાંપ્રદાયિક’ કે ‘ધર્મનિરપેક્ષ’ શબ્દ કરતાં ‘સર્વધર્મ સમભાવ’ વધારે યોગ્ય અને યથાર્થ લાગે છે. ‘બિનસાંપ્રદાયિક’ કે ‘ધર્મનિરપેક્ષ’નો અર્થ ‘ધર્મવિહીન’ એવો તો હોઇ જ ન શકે. તેને ‘ધર્માતીત’ પણ ન કહી શકાય. ‘ધર્મની બહારનું’ અથવા ‘ધર્મ સાથે જેને કોઇ સંબંધ નથી’ એવું પણ ન કહી શકાય કેમ કે ધર્મના જે અનેક લક્ષણો છે તેના વિના ન તો સમાજનું ધારણ-પોષણ થઈ શકે કે ન વ્યક્તિના જીવનની ઉન્નતિ થઇ શકે.

તો પછી ‘બિનસાંપ્રદાયિક’ કે ‘ધર્મનિરપેક્ષ’ રાજ્ય એટલે શું? રાજ્યમાં કોઇ ધર્મ જ નહીં હોય એવું? અહીં આપણે વિનોબાજી શું કહે છે તે જાેઈએ. વિનોબાજી કહે છે કે “મારું એમ માનવું છે કે ‘ જીષ્ઠેઙ્મટ્ઠિ’ શબ્દથી ઘણી બધી ગેરસમજાે ઊભી થાય છે અને વળી આ કિસ્સમાં તો વિદેશી શબ્દને કારણે વધારે ગેરસમજ થઇ છે. આપણે ત્યાં અમુક લોકોનું બધું ચિંતન અંગ્રેજીમાં જ ચાલે છે જેનો આપણી ધરતી સાથે સંબંધ નથી હોતો. પછી તેનો તરજુમો કરવો પડે છે. અને કોઇપણ ભાષાનો તરજુમો બીજી ભાષામાં એકદમ બરાબર થઇ શકતો નથી. એટલે વિદેશી શબ્દ યથાર્થ ભાવ વહન કરી શકતો નથી. આપણી ભૂમિના સંતાનોને સમજાવવા માટે આપણી ભૂમિનો જ શબ્દ જાેઇએ.”

“કોઈ રાજ્ય જાે પોતાને ‘જીષ્ઠેઙ્મટ્ઠિ’ જાહેર કરશે તો એ રાજ્ય ધર્મનિરપેક્ષ રાજ્ય હશે. પરંતુ ‘ધર્મનિરપેક્ષ’ એટલે ‘ધર્મહીન’ નહી, માત્ર બિનસાંપ્રદાયિક એટલું જ. એટલે કે તે રાજ્ય કોઇપણ વિશેષ સંપ્રદાય સાથે જાેડાયેલું નથી. ‘ધર્મનિરપેક્ષ’ રાજ્ય પણ ખરું જાેતાં સમાજનું ધારણ-પોષણ કરનારા ધાર્મિક સિદ્ધાંતોને તો ઉવેખી શકે નહીં. તેથી “જીષ્ઠેઙ્મટ્ઠિ જંટ્ઠંી”નો અર્થ ‘ધર્મવિહીન રાજ્ય’ એવો કદાપિ ન હોઇ શકે.” તેનો કોઇ એક રાજ્યમાન્ય ધર્મ નથી, તેમાં બધા ધર્મોને પૂરી સ્વતંત્રતા છે. આટલો જ “જીષ્ઠેઙ્મટ્ઠિ”નો અર્થ થાય છે. એનાથી વિશેષ કોઈ અર્થ હોઈ શકે જ નહીં. “જીષ્ઠેઙ્મટ્ઠિૈજદ્બ” એટલે ધર્મહીનતા નહીં પણ પરિશુદ્ધ ધર્મ-ભાવના, ધર્મ-પરામુખતા નહીં પણ સર્વ ધર્મો માટે પોતીકાપણાનો ભાવ. બધા ધર્મોનો સમન્વય થવો જાેઈએ.

આનો અર્થ એ જ થયો કે ‘બિનસાંપ્રદાયિક’ કે ‘ધર્મનિરપેક્ષ’ને બદલે શબ્દ ‘સર્વધર્મ સમભાવ’ હોવો જાેઈએ. ‘સર્વધર્મ સમભાવ’ જ ભારતીય બંધારણનો પાયો હોવો જાેઈએ. ‘સર્વધર્મ સમભાવ’ ‘ધર્મ’ના નિર્હેતુક કાર્યો અને ‘રાજય’ના યોગ્ય અને વ્યાપક બનતા જતાં કાર્યો વચ્ચે પરસ્પર એકતા સ્થાપિત કરે છે. આપણો દેશ કોઈ એક ધર્મ વિશેષ માટે ‘મમભાવ’ રાખતો નથી. ભારત દેશ તમામ ધર્મોને આદર આપે છે અને તમામ ધર્મો માટે સમભાવ રાખે છે. શું ભારતની સંસદ ભારતીય બંધારણના આમુખમાં ૪૨મા બંધારણીય સુધારા હેઠળ ઉમેરેલા શબ્દો ‘સમાજવાદી’ અને ‘બિનસાંપ્રદાયિક(ધર્મનિરપેક્ષ)’ પર પુનર્વિચાર કરશે?

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution