લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
08, જુલાઈ 2026 |
1089
ઉત્તરાખંડમાં ચોમાસાનો વરસાદ આફત લઈને આવ્યો છે. રાજ્યમાં થઈ રહેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ભયાનક ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી છે. ભૂસ્ખલનને લીધે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે. જેના કારણે લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ રસ્તાઓ પરથી કાટમાળ હટાવવા માટે તંત્રની વિવિધ ટીમો સતત દોડધામ કરી રહી છે. આ ઉપરાંત, સતત વરસી રહેલા વરસાદને કારણે અલકનંદા સહિતની પ્રમુખ નદીઓ બે કાંઠે વહી રહી છે અને જળ સ્તરમાં ચિંતાજનક વધારો થયો છે.
રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર તરફથી મળેલી માહિતી અનુસાર, ઉત્તરાખંડમાં હાલમાં ૩૨ જેટલા મુખ્ય રસ્તાઓ ભૂસ્ખલનના કારણે સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે. ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું છે કે રસ્તાઓ પરથી પથ્થરો અને કાટમાળ હટાવીને વાહનવ્યવહાર ઝડપથી પુન:સ્થાપિત કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ આ માર્ગોને વહેલી તકે સાફ કરવા માટે ઘટનાસ્થળે તહેનાત છે, જેથી મુસાફરો અને સ્થાનિક લોકોને જલ્દી રાહત મળી શકે.