ગાંધીનગરમાં આસિસ્ટન્ટ ઈલેક્ટ્રીકલ ઈન્સપેક્ટર લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
18, મે 2026  |   1881

ગાંધીનગર ઉદ્યોગ ભવનમાં ફરજ બજાવતા વર્ગ-૨ના આસિસ્ટન્ટ ઈલેક્ટ્રીકલ ઈન્સપેક્ટર મનિષકુમાર નવિનચન્દ્ર રાવલને એન્ટી કરપ્શન બ્યુરો એ લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી ૧૮ મેના રોજ અમદાવાદ શહેર એસીબીની ટીમે ગાંધીનગરના ઘ-૨ સર્કલ પાસે જાહેર રોડ પર સફળતાપૂર્વક અમલમાં મૂકી હતી.માહિતી મુજબ, ફરિયાદી એક જાગૃત નાગરિક છે, જે બાંધકામના વિવિધ પ્રોજેક્ટોમાં પેસિવ ફાયર સિસ્ટમ ફિટ કરવાનો વ્યવસાય કરે છે.

 ફરિયાદીએ જણાવ્યું હતું કે, પેસિવ ફાયર સિસ્ટમ લગાવ્યા બાદ પ્રોજેક્ટના માલિક મારફતે સર્ટિફિકેટ્સ મંજૂરી માટે ગાંધીનગર ખાતે આસિસ્ટન્ટ ઈલેક્ટ્રીકલ ઈન્સપેક્ટર સમક્ષ રજૂ કરવામાં આવતા હોય છે.આક્ષેપિત અધિકારી મનિષકુમાર રાવલે ફરિયાદી પાસે ફાયર એન.ઓ.સી. અને પ્રમાણપત્ર માન્ય રાખવાના અવેજે કુલ પાંચ લાખ રૂપિયાની લાંચની કડક માંગણી કરી હતી. ફરિયાદીએ એકસાથે આટલી મોટી રકમ આપવા અસમર્થતા દર્શાવી, નાણાં ટુકડે-ટુકડે આપવા સંમતિ દર્શાવી હતી. આજ રોજ પહેલા હપ્તા તરીકે ૫૦ હજાર રૂપિયા ચૂકવવાનું નક્કી થયું હતું.ફરિયાદીએ લાંચ આપવાની ના પાડી અને એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કરી અધિકારી વિરૂદ્ધ વિગતવાર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે, એસીબીએ જાહેર રોડ પર છટકું ગોઠવ્યું હતું.આ ટ્રેપ દરમિયાન ફરિયાદી નિર્ધારિત સ્થળે પહોંચ્યા અને મનિષકુમાર રાવલ સાથે હેતુલક્ષી વાતચીત કરી. ફરિયાદીએ ૫૦ હજાર રૂપિયાની રોકડ રકમ આપતાં જ, છુપાઈને ઉભેલી એસીબીની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી અને આરોપીને લાંચની રકમ સાથે રંગેહાથ ઝડપી લીધો.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution