અમદાવાદ-

અમદાવાદની શાન અને ઓળખ ગણતાં કાંકરિયા લેક્ફ્રન્ટમાં પર આવેલી અટલ એક્સપ્રેસ ટ્રેનના પાટા બદલવામાં આવી રહ્યા છે. 12 વર્ષ બાદ આ ટ્રેનના પાટા બદલવામાં આવી રહ્યા છે. સુરતના કોસંબાથી ઉમરપાડા વચ્ચેની નેરોગેજ લાઇનના જુના પાટા અમદાવાદ કોર્પોરેશન રેલવે વિભાગ પાસે થી ખરીદશે અને આ પાટા નાખવામાં આવશે . રૂ. 48 લાખના ખર્ચે 4500 રનિંગ મીટર જેટલા 84.195 મેટ્રિક ટન નેરોગેજ લાઇનના પાટા ખરીદવા અંગે રેલવે વિભાગને ડિમાન્ડ ડ્રાફટ મોકલવા અંગેની દરખાસ્ત મ્યુનિસિપલ કોર્પોરેશનની આજે મળનારી રોડ એન્ડ બિલ્ડીંગ કમિટિમાં મુકવામાં આવી છે.

અમદાવાદીઓ માટેનું મનોરંજનના સ્થળ કાંકરિયા લેક્ફ્રન્ટમાં 2008માં અટલ એક્સપ્રેસ અને સ્વર્ણિમ જયંતિ એક્સપ્રેસ ટ્રેનની શરૂઆત કરવામા આવી હતી. આટલા લાંબા વર્ષો બાદ પણ ટ્રેનના પાટા બદલવામાં આવ્યા નથી. થોડા વર્ષ પહેલાં લેક્ફ્રન્ટમાં આવેલી એક રાઈડ તૂટી પડી હતી. ત્યારબાદ આ તમામ રાઈડને ચેક કરવામાં આવી હતી. આર એન બી બિલ્ડીંગ વિભાગ અને ટ્રેક ઇન્સ્પેકશન કમિટિ દ્વારા અટલ એક્સપ્રેસ ટ્રેનના પાટા બદલવા અભિપ્રાય આપ્યો હતો. જેથી ઈજનેર વિભાગ દ્વારા આ મામલે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. સુરતના કોસંબા અને કોસંબા યાર્ડથી ઉમરપાડા વચ્ચેની નેરોગેજ લાઇનના પાટા ખરીદવાની રેલવે વિભાગ પાસેથી મંજૂરી મેળવી અને આ પાટા બદલવામાં આવશે .

કોર્પોરેશનના ઈજનેર વિભાગ દ્વારા રૂ. 48 લાખના ખર્ચે 4500 રનિંગ મીટર જેટલા 84.195 મેટ્રિક ટન નેરોગેજ લાઇનના પાટા ખરીદવા માટે રેલવે વિભાગના ચીફ કેશિયરને ડિમાન્ડ ડ્રાફટ મોકલવા માટેની દરખાસ્ત મ્યુનિસિપલ કોર્પોરેશનની આજે મળનારી રોડ એન્ડ બિલ્ડીંગ કમિટિમાં મુકવામાં આવી છે. દરખાસ્તમાં ભવિષ્યમાં રેલવે વિભાગમાંથી રેલ ટ્રેક કે અન્ય કોઈ પાર્ટ્સ ખરીદવાની જરૂર પડે તો વહીવટી અને નાણાંકીય સત્તા મ્યુનિસિપલ કમિશનરને આપવામાં આવે તેવી પણ દરખાસ્ત મુકાઈ છે.