ચૂંટણી પ્રચારમાં પોસ્ટરો-દિવાલ ચીતરવા પર પ્રતિબંધ: કલેક્ટરનો કડક આદેશ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
18, એપ્રીલ 2026  |   3267

ગુજરાતમાં આગામી દિવસોમાં યોજાનારી પાલિકા અને પંચાયતોની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાજ્ય ચૂંટણી આયોગે આચારસંહિતાના કડક અમલ માટે જિલ્લા તંત્રને સ્પષ્ટ માર્ગદર્શિકા આપી છે. તેના અનુસંધાને જિલ્લા કલેક્ટર દ્વારા મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં ચૂંટણી પ્રચાર દરમિયાન જાહેર સ્થળોએ બેનરો, પોસ્ટરો અને દીવાલો ચીતરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ચૂંટણી સમયગાળા દરમિયાન સામાન્ય રીતે શહેર અને ગામડાઓમાં વીજળીના થાંભલા, સરકારી કચેરીઓ, બસ સ્ટોપ અને અન્ય જાહેર સ્થળોએ રાજકીય પ્રચાર સામગ્રીનો ભરમાર જાેવા મળતો હોય છે. જાેકે, આ વખતે તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ સરકારી મિલકત પર બિનઅનુમતિ પ્રચાર સામગ્રી લગાવવી કાયદેસર ગુનો ગણાશે.

આદેશ મુજબ, ટેલિફોન અને ઇલેક્ટ્રિક થાંભલા, સરકારી વાહનો, સરકારી ઇમારતો તેમજ જાહેર ઉપયોગની અન્ય મિલકતો પર કોઈપણ પ્રકારના બેનરો કે પોસ્ટરો લગાવવા પર પ્રતિબંધ રહેશે. જાે કોઈ ઉમેદવાર અથવા સમર્થક આ નિયમોનો ભંગ કરશે તો તેમના સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. ખાનગી મિલકતોના ઉપયોગ માટે પણ કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. કોઈપણ ઉમેદવાર કે પક્ષ જાે ખાનગી માલિકીની મિલકત પર પ્રચાર કરવા માંગે, તો તે માટે માલિકની લેખિત મંજૂરી લેવી ફરજિયાત રહેશે. માલિકની મંજૂરી વગર પ્રચાર સામગ્રી લગાવવામાં આવશે તો તે કાયદેસર ગુનો ગણાશે. તંત્રએ પ્રચાર સામગ્રીના કદ માટે પણ મર્યાદા નક્કી કરી છે. ૧૫ ફૂટ બાય ૮ ફૂટથી મોટા હોર્ડિંગ્સ લગાવી શકાશે નહીં, જ્યારે ૮ ફૂટથી ઊંચા કટઆઉટ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આ સાથે પ્રચાર માટે કરવામાં આવતો દરેક ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચના હિસાબમાં દર્શાવવો ફરજિયાત રહેશે.

આ જાહેરનામાનો સૌથી મહત્વનો પાસો એ છે કે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ પ્રચાર સામગ્રી દૂર કરવાની જવાબદારી ઉમેદવારની રહેશે. ઉમેદવારોએ પોતાની પ્રચાર સામગ્રી હટાવીને સંબંધિત મિલકતોને મૂળ સ્થિતિમાં પરત લાવવી પડશે. આ આદેશ આગામી ૩૦ એપ્રિલ ૨૦૨૬ સુધી અમલમાં રહેશે. તંત્રએ ચેતવણી આપી છે કે જાે કોઈ વ્યક્તિ કે રાજકીય પક્ષ આ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેમના સામે કડક શિક્ષાત્મક અને કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution