વડોદરા, તા.૧૩

વડોદરા જિલ્લામાં સહકારી ક્ષેત્રે અગ્રેસર બરોડા ડેરીમાં આગામી બે માસ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની યોજાયેલી ચૂંટણીમાં પ્રમુખ તરીકે જિલ્લા ભાજપા પ્રમુખ સતીશ પટેલ (નિશાળિયા) તેમજ ઉપપ્રમુખ પદે ક્રિપાલસિંહ મહારાઉલની સર્વાનુંમતે વરણી કરવામાં આવી હતી. આજે બરોડા ડેરીના બોર્ડરૂમ ખાતે ચુંટણી યોજવામાં આવી હતી. આગામી જુલાઇ માસ બાદ બરોડા ડેરીના વર્તમાન બોર્ડના બાકીના ૨.૫ વર્ષ માટેના પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે ચૂંટણી યોજાશે.

વડોદરા જિલ્લા દૂઘ ઉત્પાદન સંઘ બરોડા ડેરીના પ્રથમ ૨.૫ વર્ષ માટેની મુદ્દત આગામી જુલાઈ માસમાં પૂર્ણ થાય છે પરંતુ, છેલ્લા કેટલાક સમયથી બરોડા ડેરીમાં ચાલતા વિવાદના પગલે અને ગત વિધાનસભાની ચૂંટણી માં પાદરાની બેઠક ઉપરથી બરોડા ડેરીના પ્રમુખ દિનેશ પટેલે (દિનુમામા) અપક્ષ ચૂંટણી લડ્યા બાદ તેઓએ બરોડા ડેરીનાં પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતું. ત્યાર પછી બરોડા ડેરીમાં શરૂ થયેલા વિવાદને પગલે ઉપપ્રમુખ જી.બી. સોલંકીએ પણ કાર્યકારી પ્રમુખ અને ઉપપ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતું. જેથી પ્રમુખ અને ઉપપ્રમુખની ખાલી પડેલી જગ્યા માટે આજે ચૂંટણી યોજાઈ હતી.

પ્રદેશ ભાજપના અગ્રણી મેન્ડેટ લઈને આવ્યા હતા.જેમાં આગામી બે માસ માટે પ્રમુખ ઉપપ્રમુખની યોજાયેલી ચૂંટણીમાં જિલ્લા ભાજપા પ્રમુખ અને ડેરીના ડિરેક્ટર સતીશ પટેલ (નિશાળિયા) પ્રમુખ તરીકે અને બે દિવસ પૂર્વે જ કોંગ્રેસમાંથી ભાજપામાં જાેડાયેલા ક્રિપાલસિંહ મહારાઉલની ઉપપ્રમુખ પદે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

નવનિયુક્ત પ્રમુખ સતીશ પટેલ (નિશાળિયા)એ જણાવ્યું હતું કે તમામને સાથે રાખી બરોડા ડેરીના વિકાસને આગળ ધપાવવામાં આવશે. બરોડા ડેરીના દૂધની આવકમાં સતત વધારો થતો રહે તેવા પ્રયાસો કરવામાં આવશે. આ ઉપરાંત બરોડા ડેરીમાં ઉનાળાની સિઝનમાં દૂધની આવક જળવાઈ રહે તે માટે પ્રયાસ સાથે પશુપાલકોને પોષણક્ષમ ભાવ આપવામાં પણ વિચારણા કરાશે

આજે બરોડા ડેરી ખાતે યોજાયેલી પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં તત્કાલીન ડેરીના ડીરેક્ટરો સહિત મેયર,શહેર ભાજપ પ્રમુખ,સાસદ,ધારાસભ્યો અને સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને નવ નિયુક્ત પ્રમુખ ઉપ પ્રમુખને શુભેચ્છા આપી હતી.