લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
04, જુલાઈ 2026 |
2178
અમદાવાદમાં આગામી રથયાત્રાના પવિત્ર તહેવારને લઈને શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. શહેર પોલીસ કમિશનર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના બાદ અસામાજિક તત્વો અને ગુનેગારો પર નજર રાખવા માટે ખાસ કોમ્બિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ઇસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત ૩ જુલાઈના રોજ મોડી રાત્રે પોલીસનો કાફલો રસ્તા પર ઉતરી આવ્યો હતો અને સઘન તપાસ હાથ ધરી હતી. ઇસનપુર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા તા. ૦૩/૦૭/૨૦૨૬ના રોજ સાંજે ૭:૦૦ થી ૧૦:૦૦ વાગ્યા દરમિયાન આ કામગીરી કરવામાં આવી હતી. આ ડ્રાઈવમાં ૧ પોલીસ ઇન્સ્પેક્ટર, ૪ પી.એસ.આઈ. અને ૩૧ જેટલા પોલીસ કર્મચારીઓએ જાેડાઈને વિસ્તારને ખૂંદી વળ્યો હતો. પોલીસની આ કાર્યવાહીમાં છરી અને ચપ્પા જેવા ઘાતક હથિયારો સાથે ૩ શખ્સોને બી.એન.એસ. કલમ ૧૭૦ મુજબ ઝડપી પાડવામાં આવ્યા હતા.તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે ૧૧ હિસ્ટ્રીશીટર અને ૧૭ એમ.સી.આર. આરોપીઓની હાજરી ચેક કરી હતી. આ ઉપરાંત, તડીપાર કરાયેલા ૪ શખ્સો અને ૧૫ લિસ્ટેડ બુટલેગરો પર પણ કડક નજર રાખવામાં આવી હતી. વાહન ચેકિંગ દરમિયાન ૭૦ વાહનોની તપાસ કરી ૬ ચાલકોને મેમો આપી ૪,૫૦૦ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. નશાની હાલતમાં વાહન ચલાવનાર એક વ્યક્તિ સામે એમ.વી. એક્ટ ૧૮૫ હેઠળ ગુનો નોંધાયો હતો.પોલીસે માત્ર રસ્તાઓ જ નહીં, પરંતુ વિસ્તારના ૬ હોટલ-ઢાબા, ૩ અવાવરૂ જગ્યાઓ અને ભીડભાડવાળા વિસ્તારોમાં પણ સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. રથયાત્રા પૂર્વે ઇસનપુર પોલીસની આ આક્રમક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. પોલીસ દ્વારા સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યો છે કે તહેવારની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર સામે કડક કાયદાકીય પગલાં ભરવામાં આવશે.