આણંદ-

ગત મંગળવારનાં રોજ સવારમાં મોટી શેરડી ગામથી -ધનાવશી રોડની સાઇડ પર આવેલા તલાવડી પાસેથી અજાણ્યા યુવકનાં ગળે ટુંપો આપી હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે પોલીસે તપાસ કરતા મૃતક યુવાન ધુવારણ ગામનો ગુલાબસિંહ ચંદુભાઈ ગોહીલ હોવાનું જાણવા મળ્યું હતું. જોકે આ અંગે ભાદરણ પોલીસે તપાસ હાથ ધરી હતી.

પોલીસને મૃતક ગુલાબસિંહની પત્નીને તેમજ તેઓની ભત્રીજીને અન્ય યુવક સાથે સબંધ હોવાની માહીતી મળતા પોલીસે મૃતકની પત્ની દક્ષાબેનનાં પ્રેમી કંકાપુરા ગામનાં અર્જુનભાઈ ઉર્ફે અજીત પ્રભાતસિંહ પરમાર અને મૃતકની ભત્રીજીનાં પ્રેમી ધનશ્યામભાઈ ભાઈલાલભાઈ પરમારને ઝડપી પાડી ઝીણવટભરી પુછપરછ કરતા બન્નેએ પોતાનાં સાગરીતો સાથે મળી હત્યા કરી હોવાની કબુલાત કરી છે.

આણંદ જિલ્લાનાં ભાદરણ પોલીસ મથકની હદમાં મોટી શેરડી ગામથી ધનાવશી ગામનાં રોડ પરથી ગત મંગળવારે ધુવારણનાં યુવકની ગળે ટુંપો આપી હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે ગણતરીનાં દિવસોમાં હત્યાનો ભેદ ઉકેલી હત્યા કરનાર પર પુરૂષનાં પ્રેમમાં અંધ બનેલી પત્ની અને તેનાં પ્રેમી સહીત ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.