લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
04, જુન 2026 |
1980
આશરે ૧૫ વર્ષ અલગ રહેતા એક ડોક્ટર્સ દંપતીના છૂટાછેડાને મંજૂરી આપતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે લગ્ન સબંધિત કોર્ટ કેસો લાંબા સમય સુધી પડતર રહે તો લગ્ન માત્ર કાગળ પર જ જીવંત રહે છે. ભારતીય અદાલતો વારંવાર કહી ચૂકી છે કે વાજબી કારણ વગર જીવનસાથીને સતત શારીરિક સંબંધોથી વંચિત રાખવું ગંભીર ભાવનાત્મક પીડા પહોંચાડે છે અને લગ્નના મૂળ આધારને નબળો પાડે છે અને તે છૂટાછેડાનો આધાર બની શકે છે. ન્યાયાધીશ સંજય કરોલ અને ઓગસ્ટિન જ્યોર્જ મસીહની ખંડપીઠે નોંધ્યું હતું કે રાજસ્થાન હાઈકોર્ટે ઘણા આધારો પર છૂટાછેડા મંજૂર કર્યા હતાં, જેમાં પત્ની દ્વારા અનેક વખત જાતીય સંબંધોનો ઇનકાર કરીને પતિ સામે કરવામાં આવેલી ક્રૂરતા પણ એક આધાર હતો. પતિની અપીલને મંજૂરી આપીને આપવામાં આવેલ છૂટાછેડાનું હુકમનામું માન્ય રાખવામાં આવે છે. કોર્ટે જણાવ્યું હતું કે વાજબી કારણ વગર જાતીય સંબંધોનો સતત ઇનકાર કરવા સહિત વૈવાહિક અધિકારોનો ઇનકાર માનસિક ક્રૂરતા ગણાય છે અને હિન્દુ લગ્ન ધારાની કલમ ૧૩(૧) હેઠળ છૂટાછેડા માટે માન્ય આધાર છે.